(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
એમજે અકબર સામે એક ડઝનથી વધુ મહિલા પત્રકારો દ્વારા જાતીય સતામણીના ગંભીર આરોપો મુકવામાં આવ્યાના સપ્તાહો બાદ અમેરિકા સ્થિત એક મહિલા પત્રકાર પલ્લવી ગોગોઇ હવે આગળ આવ્યાં છે અને તેમણે ૨૩ વર્ષ પહેલા ૯૦ના દાયકામાં એશિયન એજ માટે કામ કરતા હતા ત્યારે જયપુરની એક હોટલમાં તેમના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. નોંધનીય છે કે મહિલા પત્રકારો દ્વારા એમજે અકબર સામે જાતીય સતામણીના આરોપો મુકવામાં આવ્યા બાદ એમજે અકબરને રાજ્યકક્ષાના વિદેશ પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. વરિષ્ઠ પત્રકાર પલ્લવી ગોગોઇએ વોશિંગ્ટન પોસ્ટમાં લખેલા એક લેખમાં પોતાને થયેલા એક ભયંકર અનુભવનું વર્ણન કર્યું છે. લેખમાં તેમણે લખ્યું છે કે જયપુરની હોટલમાં એમજે અકબરે તેમના પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. વોશિંગ્નટ પોસ્ટે આ બાબતના સંદર્ભમાં એમજે અકબરના વકીલ સંદીપ કપૂરનો સંપર્ક કર્યો તો, તેમણે જવાબ આપ્યો કે તેમના અસીલ અકબરે આ આરોપોને જુઠ્ઠા ગણાવ્યા છે. પલ્લવીએ આગળ લખ્યું છે કે એમજ ેઅકબરે ઘણી વાર તેમને કિસ કરવાના પ્રયાસો કર્યા હતા અને ઘણી વાર તેમની જાતીય સતામણી કરી હતી. તેઓ અકબરને તાબે ન થતા તેમને નોકરીએથી કાઢી મુકવાની પણ અકબરે ધમકી આપી હતી. તેમણે એવું પણ લખ્યું છે કે ઓફિસના એક એસાઇનમેન્ટ માટે તેમને જયપુર જવું પડ્યું હતું. અકબરે એક સ્ટોરીના સંદર્ભમાં હોટલના પોતાના રૂમમાં બોલાવ્યા હતા. પલ્લવી લખે છે જયપુરની એ હોટલના રૂમમાં અકબરે તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપો મુજબ અકબરે તેમના વસ્ત્રો ફાડી નાખ્યા હતા. મેં લડવાની બહુ કોશિશ કરી પરંતુ અકબર શારીરિક રીતે વધુ મજબૂત હતા. પલ્લવીએ આ ઘટના અંગે પોલીસને ફરિયાદ કરવાને બદલે ભારે શર્મિંદા થયા હતા. જાતીય સતામણીનો સિલસિલો ચાલુ રહ્યો અને છેવટે તેમણે નોકરી છોડી દીધી.

‘સંમતિથી સંબંધો બંધાયા’ : અમેરિકા સ્થિત
પત્રકારના રેપના આરોપ બાદ એમજે અકબરે કહ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
અમેરિકા સ્થિત વરિષ્ઠ મહિલા પત્રકાર પલ્લવી ગોગોઇએ એમજે અકબર સામે બે દાયકા પહેલા તેમના પર બળાત્કાર ગુજારવાનો આરોપ મુક્યા બાદ ભૂતપૂર્વ પ્રધાને જણાવ્યું કે બધા આરોપો જુઠ્ઠા છે અને પલ્લવી ગોગોઇની સહમતિથી સંબંધો બંધાયા હતા. જોકે, કદાચ આ સંબંધ બેસ્ટ નોટ પર પુરા થયા ન હતા. પલ્લવી ગોગોઇ સાથેના સંબંધો ઘણા મહિનાઓ સુધી ચાલ્યા હતા. અકબરે એવું પણ કહ્યું કે ગોગોઇ સાથેના સંબંધોને કારણે તેમના પારિવારિક જીવનમાં તનાવની સ્થિતિ સર્જાઇ હતી. ત્યાર પછી સહમતિથી ચાલી રહેલા આ સંબંધો ખતમ થઇ ગયા હતા. એમજે અકબરે એવો દાવો પણ કર્યો છે કે પલ્લવી અને મને જાણનારા લોકો પણ આ વાતની જુબાની આપી શકે છે. અકબર સામે રેપના આરોપો મુકાયા બાદ તેમની પત્ની મલિકા પણ અકબરના બચાવમાં આવી ગઇ છે. મલિકાએ કહ્યું કે ૨૦ વર્ષ પહેલા પલ્લવી ગોગોઇ મારા પરિવારમાં દુઃખ અને વિવાદનું કારણ બની હતી. પલ્લવી તેમની ઉપસ્થિતિમાં પણ તેમના પતિ સાથે પોતાનો લગાવ વ્યક્ત કરતી હતી. પલ્લવી અને અકબર વચ્ચેના સંબંધો તેમના પરિવાર માટે સમસ્યાના કારણ બની ગયા હતા.