(એજન્સી) પાકિસ્તાન, તા.૧૫
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે, શુક્રવારે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, તેમના સંતાનો અને નાણામંત્રી ઈશાક દાર દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. જેના દ્વારા ૨૮ જુલાઈના સર્વોચ્ચ અદાલતના પનામાગેટ કેસના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. ડીએડબલ્યુએનના અહેવાલ અનુસાર, પોતાના નિર્ણયની જાહેરાત કરતાં, પાંચ જજોની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું કે, પાછળથી નોંધવામાં આવેલ કારણોે બાદ આ બધી જ સમીક્ષાઓને ફગાવી દેવામાં આવી છે. અદાલત દ્વારા ચુકાદાના કારણોની વિસ્તૃત જાણકારી બહાર પાડવામાં આવશે.
આ પહેલાં અદાલતે દરેક અરજીકર્તાઓના વકીલોની દલીલોને સાંભળ્યા બાદ, પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સવારના અહેવાલ અનુસાર, ૬૭ વર્ષીય શરીફને સંસદ સભ્ય તરીકે અયોગ્ય જાહેર કરવામાં આવશે. આ અહેવાલમાં આગળ જણાવવામાં આવ્યું કે, શરીફ અને તેના પરિવારને ભ્રષ્ટાચારના સંદર્ભનો સામનો કરવો પડશે.
ગુરૂવારે ન્યાયમૂર્તિ આસીફ સઈદ ખોસાએ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને તેમની વિરૂદ્ધ એક નકારાત્મક નિર્ણયના કારણે શંકાશીલ ના થવા કહ્યું હતું. ખોસાએ શરીફને અદાલત પર વિશ્વાસ રાખવા કહ્યું હતું. ન્યાયમૂર્તિ આસીફ સઈદ ખોસાએ કહ્યું કે, શંકાશીલ થવાની જરૂરિયાત નથી, કારણ કે આ નિર્ણય તેમની વિરૂદ્ધ આવ્યો છે. પાકિસ્તાનના સર્વોચ્ચ ન્યાયાલયે ૨૮ જુલાઈના રોજ શરીફને અયોગ્ય જાહેર કર્યા હતા. જે ૧૯૯૦ના દશકમાં વડાપ્રધાન રૂપે પોતાના કાર્યકાળ દરમિયાન નાણાંની ગેરકાયદેસર હેરાફેરીના આરોપોનો સામનો કરી રહ્યા હતા, જેનાથી તેમણે લંડનમાં સંપત્તિ ખરીદી હતી.