(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૨૮
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લેતા પનામાગેટ કેસમાં પ્રધાનમંત્રી નવાઝ શરીફને દોષિત જાહેર કર્યા હતા. આ સાથે જ તેમને આજીવન વડાપ્રધાન પદ માટે અયોગ્ય જાહેર કરી દીધા હતા. દેશની સર્વોચ્ચ અદાલતે આ નિર્ણય બાદ નવાઝ શરીફે પોતાનું પદ છોડી દીધું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ નવાઝ શરીફની રાજકીય કારકિર્દીનો અંત આવી ગયો હતો. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે નવાઝ શરીફ અને તેમના પરિવાર વિરૂદ્ધ કેસ નોંધવાનો પણ આદેશ આપ્યો છે.
વડાપ્રધાન તરીકે નવાઝ શરીફનો આ ત્રીજો કાર્યકાળ હતો. ત્રણેય વખત તેઓ પોતાના કાર્યકાળને પૂરો કરી શક્યા નથી. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે સર્વસંમતિથી નવાઝ શરીફને અયોગ્ય ઠેરવ્યા હતા.
આ સાથે જ નવાઝ શરીફને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ છોડવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. કોર્ટે સૂચવ્યું હતું કે, નવાઝ અધ્યક્ષ હોવાને કાબેલ નથી. નિર્ણય સંભળાવતા કોર્ટે કહ્યું કે, નવાઝ શરીફ પાકિસ્તાની સંસદ અને કોર્ટ પ્રત્યે ઇમાનદાર રહ્યા નથી અને તેથી વડાપ્રધાન પદ પર જળવાઇ રહેવા લાયક નથી. પાકિસ્તાની બંધારણની કલમ ૬૨ અને ૬૩ના આધારે સુપ્રીમ કોર્ટની બેંચે ૫-૦ બહુમતથી નવાઝને પીએમ પદ માટે અયોગ્ય ગણાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ૧૮મી જુલાઇની ટિપ્પણીમાં જ આ નિર્ણયના સંકેત મળી ગયા હતા. કોર્ટે નિર્ણય સંભળાવતા જસ્ટિસ એજાઝ અફઝલ ખાને જણાવ્યું કે, નવાઝ શરીફ હવે પાકિસ્તાની સંસદના ઇમાનદાર અને સમર્પિત સભ્ય હોવાને લાયક નથી. દરમિયાન પાકિસ્તાની ચૂંટણી પંચે તાત્કાલિક નવાઝ શરીફની યોગ્યતા રદ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટની પીઠે મરિયમ, હસન, હુસૈન અને ઇસાક ડાર વિરૂદ્ધ દાખલ થયેલા કેસોની તપાસનું કામ એનએબીને સોંપ્યું છે. એનએબી પાકિસ્તાનની સૌથી મોટી ભ્રષ્ટાચાર નિવારણ સંસ્થા છે.

નવાઝ શરીફ પ્રકરણની ભારત પર પણ અસર પડી શકે
નવાઝ શરીફની હકાલપટ્ટી ભારત માટે પણ સારા સમાચાર તરીકે નથી. પાકિસ્તાનમાં આગામી જવાબદારી કોને સોંપવામાં આવશે તે અંગેની માહિતી હજુ સુધી મળી શકી નથી. આગામી ચૂંટણી થશે ત્યાં સુધી સત્તાની જવાબદારી કોને સોંપાશે તે ચિત્ર સ્પષ્ટ થયું નથી. પાકિસ્તાનમાં આગામી વર્ષે સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે, નવાઝ શરીફ જવાથી ભારત ઉપર માઠી અસર થશે. સુરક્ષા સંબંધિત મામલાઓમાં આ અસર વધારે જોવા મળશે. સત્તામાં પરિવર્તનનો મતલબ એ છે કે, ઇસ્લામાબાદમાં નવા ખેલાડી અને નવા મુદ્દા રહેશે. ગવર્નન્સ અને વિદેશી મામલામાં સેનાની હંમેશા ભૂમિકા રહી છે. ગવર્નન્સ અને વિદેશ નીતિમાં કામગીરી હવે સેનાના હવાલે આવી જશે. સેનાને ગવર્નન્સમાં આગળ લાવવાનો મતલબ એ છે કે, ભારત ઉપર સીધી અસર થશે. પાકિસ્તાની સેના પહેલાથી જ ભારતની સામે પૂર્વગ્રહ ધરાવે છે. આ બાબત તમામ લોકો જાણે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં અપાયેલા આ ચુકાદાથી ભારત ઉપર પણ અસર થશે. નવાઝ શરીફની તકલીફ એક પછી એક વધી રહી છે. વિતેલા વર્ષોમાં પણ નવાઝ શરીફ અનેક મુશ્કેલીનો સામનો કરી ચૂક્યા છે. ત્રણ અવધિ સુધી તેઓ વડાપ્રધાન રહ્યા હોવા છતાં કોઇપણ વખત અવધિ પૂરી કરી શક્યા નથી.

પનામા ભ્રષ્ટાચાર કેસ શું હતો ?

નવાઝ શરીફનું નામ પનામા પેપર્સમાં આવ્યું હતું. આ કેસ ૧૯૯૦ના દશકમાં એ સમયના ફંડિંગ દ્વારા લંડનમાં સંપત્તિઓ ખરીદવા સાથે જોડાયેલો છે જ્યારે શરીફ આ સમયગાળા દરમિયાન બે વખત વડાપ્રધાન બન્યા હતા. શરીફના પરિવારની લંડનમાં આ સંપત્તિઓનો ખુલાસો પાછલા વર્ષે પનામા પેપર્સ લીક મામલે થયો હતો. આ સંપત્તિઓ પાછળ વિદેશમાં બનાવાયેલી કંપનીઓના નાણાં લાગેલા છે અને આ કંપનીઓનો અધિકાર શરીફના સંતાનો પાસે છે. આ સંપત્તિઓમાં લંડનના ચાર મોંઘા ફ્લેટનો પણ સમાવેશ થાય છે.
પાક.ના ૭૦ વર્ષમાં કોઇપણ પ્રધાનમંત્રીએ કાર્યકાળ પૂરો કર્યો નથી

નવાઝ શરીફને પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે ગેરમાન્ય ગણાવતા તેમને પનામાગેટ કેસમાં દોષિત જાહેર કર્યા તે સાથે જ તેમણે પદ છોડવાનો વારો પણ આવ્યો. નોંધનીય બાબત એ છે કે, પાકિસ્તાનની સ્વતંત્રતાના ૭૦ વર્ષના ઇતિહાસમાં અત્યારસુધી કોઇ પણ પ્રધાનમંત્રીએ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી. ૧૪ ઓગસ્ટે પાકિસ્તાનની સ્થાપનાના ૭૦ વર્ષ પૂર્ણ થશે પરંતુ આ સમયગાળા દરમિયાન લોકશાહી રીતે ચૂંટાયેલા કોઇપણ પ્રધાનમંત્રી પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.