અમદાવાદ,તા.ર૧
શાપર વેરાવળમાં દલિત યુવાનને મારમારી મોતને ઘાટ ઉતારવાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડતા મામલો ગરમાયો હતો. જો કે પોલીસે દલિત યુવકને માર મારનારા પાંચેય શખ્સોની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ મામલે ખુદ ગૃહમંત્રીએ કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે. પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળમાં ભાડાના મકાનમાં રહેતા મુકેશભાઈ રાવજીભાઈ વાણિયા (ઉ.વ.૪૦) તેમના પત્ની જયાબેન અને કાકી સાસુ સવિતાબેન રવિવારે સવારે ઘર નજીક આવેલા કારખાના આસપાસ કચરો વિણવા નિકળ્યા હતા અને રાદડિયા ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે પહોંચ્યા હતા ત્યારે કારખાનામાંથી પાંચેક શખ્સો ધસી આવ્યા હતા અને કચરો ઉપાડવાના મુદ્દે બોલાચાલી કરી મુકેશભાઈ સહિત ત્રણેયને ધોકા-પટ્ટા ફટકાર્યા હતા. પાંચેેય શખ્સોએ જયાબેન અને સવિતાબેનને મારમારી ભગાડી દીધા બાદ મુકેશભાઈને કારખાનામાં લઈ જઈ બાંધીને ધોકા-પટ્ટાથી ઢોર માર માર્યો હતો આ ઘટનાની વીડિયો વાયરલ થઈ હતી. બનાવમાં મુકેશભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસે આજે મારમારનાર પાંચેય શખ્સોની ધરપકડ કરતા અને પરિવારમાં સંતોષાતા મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. મુકેશભાઈને મારનારાની પોલીસે ધરપકડ કરી છે. જિલ્લા કલેકટર દ્વારા સમાજના આગેવાનો તેમજ પરિવારની માંગ સંતોષાતા મૃતદેહનો સ્વીકાર કર્યો છે. અલગ-અલગ પાંચ માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપતા આજે વહેલી સવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. માગણીઓમાં પાંચ એકર જમીન, રહેવા મકાન, મૃતકના બાળકોને ફ્રિમાં શિક્ષણ, માસિક મેડિકલ ખર્ચ અને આરોપીની શાપર ખાતે જાહેરમાં સરભરા કરવીનો સમાવેશ થાય છે. આ કેસ મામલે પ્રદીપસિંહે નિવેદન આપ્યું છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
તેમજ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એટ્રોસિટી એકટ હેઠળ પીડિત પરિવારને ન્યાય અપાશે.