(એજન્સી) ચંદીગઢ, તા.૪
ગુરમીત રામરહીમ સંઘની દત્તક દીકરી હનીપ્રીત ઈન્સાન અને એમની મહિલા સાથી જગદીપ કૌરને પંચકુલાની કોર્ટે ૬ દિવસ માટે પોલીસ રિમાન્ડમાં મોકલી આપી છે. હનીપ્રીત ઉપર હિંસા ફેલાવવાના આક્ષેપો છે. રામરહીમને સજા સંભળાવ્યા પછી રપમી ઓગસ્ટે પંચકુલા અને અન્ય સ્થળોએ હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા જેમાં ૪૦ વ્યક્તિઓના મોત થયા હતા અને રપ૦ વ્યક્તિઓ ઘવાઈ હતી. હનીપ્રીત અને જગદીપ કૌરની ધરપકડ ઝિરાકપુર-પટિયાલા રોડ ઉપરથી કરવામાં આવી હતી. ચાંદી મંદિર પોલીસ સ્ટેશનમાં એમની સઘન પૂછપરછ કરાઈ હતી. હનીપ્રીતે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી પણ મેડિકલ તપાસમાં એ તંદુરસ્ત જણાઈ હતી. હરિયાણા પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી પણ કોર્ટે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હનીપ્રીતના વકીલે દલીલો કરી હતી જે દલીલો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કરાઈ હતી. વકીલે હનીપ્રીતના બચાવમાં કહ્યું કે, પોલીસ દાવો કરે છે કે ષડયંત્ર રચાયું હતું જેના લીધે રપમી ઓગસ્ટે હિંસા ફાટી નીકળી હતી પણ હનીપ્રીત કોઈપણ ષડયંત્રમાં સંડોવાયેલ નથી. પોલીસ કયા આધારે એની ષડયંત્રમાં સામેલગીરી બતાવી રહી છે. હનીપ્રીત કોર્ટમાં હાથ બાંધીને ઊભી રહી હતી અને જજ સમક્ષ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. એમની આંખમાં આંસુઓ હતા. વકીલે જણાવ્યું કે જ્યારે રામરહીમને સજા સંભળાવવામાં આવી હતી તે વખતે હનીપ્રીત એમની સાથે હતી. એ હિંસામાં કોઈ પણ રીતે સંડોવાયેલ નથી. કોર્ટ પરિસરમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો એ સાથે અર્ધલશ્કરી દળો પણ મૂકાયા હતા. મંગળવારે હનીપ્રીતે એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એ નિર્દોષ છે. એમણે જણાવ્યું હતું કે એમની સામે મૂકાયેલ આક્ષેપો પાયાવિહોણા છે. મને દેશદ્રોહના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. હનીપ્રીત ઉર્ફે પ્રિયંકા તનેજા ૩૮ દિવસ સુધી ભાગેડુ રહી હતી. એ પછી દેશદ્રોહના આક્ષેપો હેઠળ એની ધરપકડ કરાઈ હતી. પોલીસે હનીપ્રીતને શોધવા નેપાળ, રાજસ્થાન, બિહાર અને હરિયાણામાં છેલ્લા દોઢ મહિનાથી પ્રયાસો કર્યા હતા.