(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૫
કોટ વિસ્તારમાં પાણી અને ગટરની સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની વારંવારની ઉગ્ર રજૂઆતને પગલે મ્યુનિ. દ્વારા પોલ્યુશન રોલ અંતર્ગત રૂા.૧૦ કરોડના કામો કરવામાં આવ્યા છે. પરંતુ હજી કેટલાયે વિસ્તારમાં પ્રદૂષિત પાણી અને ગટરની સમસ્યા હોવાથી કોટ વિસ્તાર માટે રાજ્ય સરકાર વિશેષ પેકેજ મંજૂર કરી પીવાના પાણી અને ગટર ઉભરાવાની સમસ્યામાંથી કાયમી છૂટકારો અપાવે તેવી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સમક્ષ માંગ કરી છેે. અમદાવાદના ઉસ્માનપુરા પશ્ચિમઝોનની ઓફિસ ખાતે રાજ્યના ગૃહમંંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, કોટ વિસ્તારમાં પ્રદૂષિત પાણી અને ઓછા પ્રેશરથી પાણી આવવાની તથા ગટર ઉભરાવવાની સમસ્યા વર્ષો જૂની છે. અગાઉ વારંવારની રજૂઆતને પગલે પાણી ગટરના કરોડો રૂપિયાના કામો થયા છે. પરંતુ કોટ વિસ્તાર માટે એ કામો હજી સંપૂર્ણ છે. અસંખ્ય વિસ્તારોમાં હજી પાણી ગટરની સમસ્યા છે. જેનો કાયમી ધોરણે નિકાલ લાવવો જરૂરી છે. આથી કોટ વિસ્તાર માટે રાજ્ય સરકાર વિશેષ પેકેજ જાહેર કરે તો કાયમી નિવેડો લાવી શકાય. ધારાસભ્યની આ રજૂઆતને શાંતિથી સાંભળી ગૃહરાજ્યમંત્રીએ વહેલી તકે યોગ્ય કરવા ખાતરી આપી હતી. આ ઉપરાંત ધારાસભ્ય શેખે કાલુપુર વિસ્તારની પાણીની તેમજ ગટરની સમસ્યાના નિરાકરણ માટે કાલુપુર શાકમાર્કેટ પાસે આવેલ પ્લોટ કે જે જીએસટીસીની માલિકીનો છે તે મ્યુનિ. કોર્પો. હસ્તક લઈ વોટર પંપીંગ સ્ટેશન, ડ્રેનેજ પંપીંગ સ્ટેશન અથવા તો કોમ્યુનિટી હોલ બનાવે તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત દરિયાપુર, કાલુપુર વિસ્તાર માટે છ નવા પાણીના બોર મંજૂર કરવામાં આવ્યા છે. જેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. પ્રિ-મોન્સુન એક્શન પ્લાન બાબતે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, વરસાદ દરમિયાન જૂના અને જર્જરિત મકાનો પડી જવાનો અને લોકોના જીવ જવાનો ભય રહેલો છે. આથી મ્યુનિ. કોર્પો.ને તાકીદે ભયજનક મકાનોને નોટિસ પાઠવી મકાનો સુરક્ષિત કરવા જણાવવું જોઈએ અથવા મ્યુનિ. દ્વારા ગરીબ રહેવાસીઓને સુરક્ષિત મકાનો મળી રહે તે માટે યોગ્ય નીતિ ઘડવા પણ રજૂઆત કરી હતી.