માંગરોળ, તા.રપ
માંગરોળમાં વહેલી સવારે ૬ વાગ્યા ની આસપાસ દરીયામાં અચાનક ભરતી સાથે ભયજનક સપાટીએ મોઝાઓ ઊછળવા લાગ્યા હતા. કરંટ વધતા દરીયો તોફાની બન્યો હતો. ભારે મોઝા અને દરીયાના પાણીનું સ્તર ઊંચું આવી જતા શેરીયાજ બારા મા માછીમારો ના ઝુપડાઓ અને મકાનોમાં દરીયાનુ પાણી ફરી વળ્યું હતું. જોકે પવન એકદમ શાંત રહ્યો હતો. કોઈ તોફાન કે વરસાદ વિના આસો મહિનામાં અચાનક દરીયામાં આવા ભયાવહ મોઝા જોઈને માછીમારો પણ ડરી ગયા હતા. સવારે ૩ કલાક સુધી આવી ને આવી પરિસ્થિતિ રહેતા માછીમારો ને મોટું નુકસાન થયું છે. આ સાથે જ માંગરોળ બંદર પર મોટા ભાગના માછીમારો પરત ફરતા ગોદી બોટો થી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. બાકીની બોટોને પણ કીનારા નજીક દરીયામાં એંકર પર સલામત રીતે લંગારી દીધી છે. બહાર ગયેલી બોટો ના માછીમારોને પણ નજીકના બંદરો પર જતા રહેવાનું મેસેજ કરી દેવાયો છે. બંદર ની ચોપાટી પર રેતી નો બંધ ધોવાઈ ગયો છે . નવી બની રહેલી જેટી મા પણ ૩૦ મીટર જેટલી રેતી અને થયેલી કામગીરી નું ધોવાણ થઈ ગયું છે. જેના કારણે નવી બની રહેલી જેટલી મા પણ ભારે નુકસાન થયું છે. નવી બની રહેલી ગોદીમા પણ મોટું નુકસાન થયું છે. ગુજરાત ફીશરીસ ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન વેલજીભાઈ મસાણીએ જણાવ્યું હતું કે મારી ૫૫ વર્ષની ઉંમરે છેલ્લા ૩૫ વર્ષ પછી ફરી એવો સમય આવ્યો છે કે એક પછી એક તોફાનો સર્જાય રહ્યું છે. તેમણે એવી દહેશત વ્યક્ત કરી હતી કે મોઝા ને કાપવા માટે બનાવેલા જુના ટેટ્રાપોલ દરીયામાં ગરકાવ થઈ ગયા છે. જો આવા તોફાનો ચાલું રહેશે તો આવનારા દિવસોમાં જુનું બંદર બંધ થઈ જશે. માંગરોળ શેરીયાજ બારા ના દરીયા કીનારા પર ૪૦ વર્ષ થી રહેતા માછીમાર યુસુફ હાસમએ જણાવ્યું હતું કે આસો મહિનામાં એ પણ વહેલી સવારે દરીયામાં આવી ભરતી અને મોઝા પહેલી વાર જોઈને ડરી ગયા છે.