અમદાવાદ, તા.૨૭
મ્યુનિ. તંત્ર દ્વારા દરરોજ ૧૧૦૦થી ૧૧૪૦ એમએલડી પાણીનો જથ્થો ટ્રીટેડ કરીને નાગરિકોને પૂરો પડાય છે, જેમાંથી દૈનિક ર૪૦થી ર૮૦ એમએલડી પાણીનો જથ્થો કાં તો લીકેજ થાય છે અથવા તો ચોરી થઇ જાય છે. અત્યારે રાસ્કા બંધ થવાથી શહેરભરમાં પાણીનો ર૦ ટકા અઘોષિત કાપ હોઇ નાગરિકો પાણીની બૂૂમો પાડી રહ્યા છે. આવા કપરા સંજોગોમાં પાણીનાં ટેન્કરનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પાણીનાં ટેન્કરના ખાનગી કોન્ટ્રાકટરો પોતાના બોરમાંથી પાણી મેળવીને ટેન્કર ભરવાને બદલે કોર્પોરેશનના બોરનાં પાણીથી ધોળે દહાડે ટેન્કરને છલોછલ કરી બજારમાં ઊંચી કિંમતમાં રોકડી કરી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
એક તરફ પાણી કાપના કારણે શહેરમાં ટેન્કર રાજ છવાયું છે. ખુદ મ્યુનિસિપલ સત્તાવાળાઓને શહેરીજનોની પાણીની તરસ છીપાવવા ટેન્કરના દરરોજના પ૭૬ ફેરા કરવા પડે છે. આ ફેરાની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસથી ઉનાળો આકરો બનવાથી વધારો થયો છે. બીજી તરફ પાણીનાં ટેન્કરના ખાનગી કોન્ટ્રાકટરો તંત્રના કેટલાક ભ્રષ્ટ સ્ટાફ સાથેની મિલી ભગતથી પાણી ચોરી કરીને નાગરિકોને લૂંટી રહ્યા છે. પાણીના અઘોષિત કાપનો લાભ ઉઠાવવા આ કોન્ટ્રાકટરો રપ૦૦ લિટર પાણીનાં એક ટેન્કરના રૂ.૭૦૦ જેટલો તગડો ભાવ ગરજમંદ નાગરિક પાસેથી વસૂલી રહ્યા છે, પરંતુ આઘાતજનક બાબત એ છે કે આ ટેન્કર માફિયા પોતાના ટેન્કરને પોતાના બોરથી ભરવાને બદલે મ્યુનિસિપલ માલિકીના બોરમાંથી પાણી મેળવીને બેધડક રીતે પાણીનો ગેરકાયદે વેપાર કરી રહ્યા છે. ઇસનપુર, બાપુનગર, વટવા, લાંભા, બહેરામપુરા અને દાણીલીમડા જેવા વોર્ડમાં આ પ્રકારની પાણી ચોરી બેફામ બની છે.
બીજી તરફ પાણી માટે તંત્ર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે. નર્મદાનાં પાણી માટે રાજ્ય સરકારને દર મહિને રૂ.૯થી ૧૦ કરોડ ચૂકવાય છે. આ સિવાય પોતાના ૪પ૦થી વધુ બોર દ્વારા પાણી મેળવાય છે. તેમ છતાં નવા પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન, પશ્ચિમ ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના અનેક વિસ્તારમાં ટેન્કરથી પાણી આપવું પડે છે. જે માટે ભાડેથી ટેન્કર લેવાતાં હોઇ તેના ખાનગી કોન્ટ્રાકટરને વર્ષે દહાડે રૂ.ત્રણ કરોડ ચૂકવાય છે.
અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો કરતા શાસકો આજની તારીખમાં શહેરના ર૦ ટકા વિસ્તારના લોકોને પાણીની લાઇનના નેટવર્કના અભાવે ટ્રીટેડ કરેલું પાણી આપવાના બદલે બોરનું ભારે ક્ષાર ધરાવતું પાણી પીવા માટે વિવશ કરી રહ્યા છે. બીજી તરફ તંત્રની હપતાખોરી આધારિત રહેમનજરથી પાણીની વ્યાપક ચોરીના કારણે અંદાજે ર૦ ટકા વસ્તીને પૂરો પાડી શકાય તેટલો શુદ્ધ પાણીનો જથ્થો વેડફાઇ રહ્યો છે. તેમ છતાં સંવેદનહીન સત્તાવાળાઓને આની કંઇ પડી નથી તેમ પણ મ્યુનિસિપલ વર્તુળોમાં ખુલ્લેઆમ ચર્ચાઇ રહ્યું છે. પાણીનાં ટેન્કરના માફિયાની રંજાડ વધતાં ખુદ ભાજપના કોર્પોરેટરોએ પક્ષના ઉચ્ચ હોદ્દેદારો સમક્ષ આની ગંભીર રજૂઆત કરી છે. દરમિયાન આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ કહે છે કે કેટલાક ખાનગી કોન્ટ્રાકટર પોતાના બોરના બદલે મ્યુનિસિપલ માલિકીના બોરમાંથી ટેન્કર ભરતા હોવાની ફરિયાદ મળી છે. આ ફરિયાદના આધારે સંબંધિત અધિકારીઓને ચાંપતી નજર રાખવાનો આદેશ અપાયો છે.