ધોલેરા, તા.ર૬
ધોલેરા ભાલ પંથકમાં વાલિન્ડા ગામ પાસે ૪૦૦ ગાયો સાથે પડાવ નાંખીને પાછલા ૧પ દિવસથી રહેતા કચ્છી પરિવારની સમસ્યાઓ હલ થવાનું નામ જ નથી લેતી. ગત શ્રવણ માસથી કચ્છના રાપર વિસ્તારમાં પડેલા દુષ્કાળને પગલે પરિવાર અને પશુધન સાથે હિજરત કરીને જીવન બચાવવા માટે રઝળપાટ કરી રહ્યા છે. હાલ પાછલા ૧પ દિવસથી ધોલેરાના વાલિન્ડા ગામે સીમમાં પડાવ નાંખીને પડ્યા છે. પાછલા બે-ત્રણ દિવસથી કેટલાક જીવદયા પ્રેમીઓએ મુલાકાત લઈને ગાયો માટેના ઘાસચારાની વ્યવસ્થા તો કરી પરંતુ આ પશુપાલકોના મતે હવે સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે. આ વિસ્તારમાં આ ગાયો માટે પાણી વગર સમય ગાળવો અતિ મુશ્કેલ બન્યો છે. કપરા સમયમાં કદાચ લીલો ઘાસચારો ન મળે તો એક ટંક ચલાવી લેવાય પરંતુ પાણી વગર ચાલી શકે તેમ નથી.
કચ્છી માડુઓએ તેમની વેદના જણાવતા કહ્યું કે હાલ તો હવે પાણી મળી રહે તો જ અહીં રોકાણ કરી શકાય તેમ છે. અન્યથા અહીંથી ફરી કયાંક દૂર પાણી મળે તેવા વિસ્તારમાં ઉચાળા ભરવા પડશે. કેટલાક દાતાઓએ આવીને ઘાસચારાની મદદ કરી પરંતુ આ વિસ્તારમાં પાણીની સુવિધા નહીં હોવાથી મોટી સમસ્યા ઉપસ્થિત થઈ છે. હવે જો સરકાર કે સ્થાનિકો પાણી માટે કાંઈ નહીં કરે તો આ પશુધનને મરણતોલ ફટકો લાગી શકે તેમ છે માટે સરકાર પાસે પાણીની માગણી કરીએ છીએ.