(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૨
ઈન્દ્રણજ ગામ ત્રણ હજારની વસ્તી ધરાવતું ગામ છે અને જ્યાંથી સમગ્ર સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરૂં પાડવામાં આવે છે તે કનેવાલ તળાવથી ઈન્દ્રણજ ગામ માત્ર ત્રણ કિલોમીટર દૂર છે, તેમ છતાં ગામમાં પીવાનાં પાણીની સમસ્યા ઉગ્ર બની છે, જેને લઈને ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પાણી પુરવઠા બોર્ડ સમક્ષ અનેક વાર રજૂઆતો કરી હતી, તેમજ ગામમાં રાજકીય પ્રચાર કરી મત મેળવવા આવતા રાજકીય પક્ષોનાં ઉમેદવારો સમક્ષ પણ રજૂઆતો કરતા કોઈએ ગામની સમસ્યા પ્રત્યે રસ નહીં દાખવતા પીવાનાં પાણીની સમસ્યાને લઈને ત્રસ્ત થયેલા ગ્રામજનોએ સામૂહિક રીતે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરી આજે ઢોલ ધુબાકા વચ્ચે ગ્રામજનોએ ગામમાં બેનરો મારીને મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી તેમજ કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારોએ ગામમાં પ્રવેસવું નહીં તેવા બેનરો મારી દીધા હતા.
આ અંગે ગામનાં સરપંચ અલ્પેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ઈન્દ્રણજ ગામમાં પીવાના પાણીની સમસ્યા છેલ્લા ૨૨ વર્ષ જૂની છે, અગાઉ પરીયેજ તળાવમાંથી પરીયેજ પાણી પુરવઠા યોજના હેેઠળ પાઈપ લાઈનથી ગામમાં પીવાનું પાણી આપવામાં આવતું હતું, પરંતુ યોગ્ય ફોર્સથી પીવાનું પાણી નહિ મળતા પીવાનાં પાણીની સમસ્યાનાં નિરાકરણ માટે ગ્રામજનોએ ત્રણ કિલોમીટર દુર આવેલા કનેવાલ તળાવ જયાંથી સૌરાષ્ટ્રને પીવાનું પાણી આપવામાં આવે છે, તેમાંથી ઈન્દ્રણજ ગામમાં પણ પીવાનું પાણી આપવા માંગ કરી હતી, જેથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા ત્રણેક વર્ષ પૂર્વે કનેવાલ તળાવમાંથી પાણી આપવા માટે પાઈપ લાઈન નાખી પીવાનું પાણી આપવામાં આવતું હતું, પરંતુ કોન્ટ્રાકટર દ્વારા પાઈપ લાઈન હલકી ગુણવત્તા વાળી નાખવાનાં કારણે છાસવારે પાઈપો તૂટી જાય છે અને પાઈપ લીકેજ થવાના કારણે ગામ સુધી પાણી પહોંચતું નથી, તેમજ દિવસો સુધી પાઈપ લાઈન રિપેર કરવામાં આવતી નથી, જેના કારણે મહિનામાં માત્ર ત્રણેક દિવસ પાણી મળે છે અને ત્યારબાદ પરિસ્થિતિ જૈસી થે થાય છે.
સરપંચ અલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે કનેવાલ તળાવમાંથી પાણી મળવા છતાં પરિસ્થિતી જૈસે થે જોવા મળે છે, જેથી આ અંગે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પાણી પુરવઠા બોર્ડનાં અધિકારીઓ સમક્ષ અનેક વાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનાં નિવારણ માટે કોઈએ કાર્યવાહી કરી નથી,તેમજ ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો સમક્ષ પણ આ સમસ્યા અંગે રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા કોઈ રસ દાખવવામાં આવતો નથી.