(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૨
વિધાનસભાની ચુંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ વડોદરામાં વિકાસથી વંચિત પ્રજા રાજકીય પક્ષોનાં વિરોધમાં ઉમટી છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર બેનરો પોસ્ટરો સાથે લોકો ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે તરસાલીનાં સોમનાથ નગરનાં રહિશો પાણીની સમસ્યાથી ત્રાસી જઈ વિસ્તારમાં રાજકીય નેતાઓએ પ્રવેશવું નહિં તેવા બેનરો લગાવી ચુંટણી બહિષ્કારનું મન બનાવ્યું છે.
વડોદરામાં પણ ઉમેદવારોની જાહેરાત થતાં તેઓનાં વિસ્તારમાં ધારાસભ્યોએ વિકાસના એક પણ કામ ન કર્યા હોવાના આક્ષેપો સાથે લોકો મેદાને આવ્યા છે અને બેનરો મારી ચિમકી ઉચ્ચારી વડોદરાનાં તરસાલી વિસ્તારમાં આવેલ સોમનાથનગર તેમજ મણીનગરનાં રહિશોએ પણ આ વિધાનસભાની ચુંટણીમાં વોટ નહિં આપવાનું નક્કી કર્યું છે. સ્થાનિક મહિલાઓનાં જણાવ્યા અનુસાર છેલ્લા ઘણાં વર્ષોથી વિસ્તારમાં ઓછા પ્રેશરે અને થોડો સમય જ પાણી આવે છે. પાણીના કકળાટ વિશે વિસ્તારનાં ધારાસભ્ય યોગેશ પટેલ સહિત કોર્પોરેશનમાં અનેકવાર રજુઆત કરવામાં આવી છે. પરંતુ પાંચ વર્ષ પુર્ણ થવા આવ્યા ત્યાં સુધી પરિસ્થિતિ યથાવત્‌ છે જેના કારણે પાણીની સમસ્યાથી ત્રસ્ત સોમનાથનગરનાં રહિશોએ ચુંટણીનાં બહિષ્કારનો નિર્ણય કર્યો છે. રહિશોએ પોતાનાં વિસ્તારમાં બેનરો લગાવી રાજકીય નેતાઓ પ્રવેશ કરવો નહિં તેવા બેનરો લગાવતા સ્થાનિક નેતાઓ ચિંતામાં મુકાયા છે.
તરસાલી વિસ્તારનાં મણીનગરનાં રહિશોએ વર્ષોથી પોતાના મકાનોને કાયદેસર કરી આપવાની માંગ કરી રહ્યાં છે. તદુપરાંત વિસ્તારની ડ્રેનેજ સહિતની સમસ્યા માથાનો દુખાવો બની છે તેમને પણ વારંવાર રજુઆતો કરી હોવા છતાં તેનો પણ નિવેડો નહિં આવતાં તેમને પણ પોતાની સોસાયટીમાં કામ નહિં તો વોટ નહિંના બેનરો લગાવી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે.