અમદાવાદ,તા.ર૭
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલનું તંત્ર દિનપ્રતિદિન ખાડે જઈ રહ્યું છે. નવી બહુમાળી હોસ્પિટલ તૈયાર થઈ જતાં આ જૂની હોસ્પિટલ તરફ તંત્રને કોઈ રસ ન રહ્યો હોય તેમ ખાસ ધ્યાન અપાતું નથી. હોસ્પિટલના ગાયનેક વિભાગના લેબર વોર્ડમાં છેલ્લા બે દિવસથી પાણીનો પુરવઠો બંધ હોવાથી ટેન્કરથી પાણી મંગાવવાની ફરજ પડી હતી, આથી ૯ જેટલા દર્દઓને અન્ય હોસ્પિટલમાં જવા ફરજ પડાઈ હતી. આમ તો હોસ્પિટલની આ પોલ ન ખુલત પરંતુ ગોમતીપુર વિસ્તારની એક મહિલા દર્દીને અન્ય હોસ્પિટલમાં જવાની ફરજ પડાતા તેમણે સ્થાનિક કાઉન્સિલર ઈકબાલ શેખને જાણ કરી હતી. આથી તુરંત જ દોડી આવેલા ઈકબાલ શેખે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓને જાણ કરતા બનાવની ગંભીરતા જાણી તેઓએ તત્કાળ પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે , હોસ્પિટલના લેબર વોર્ડમાં બે દિવસથી પાણીનો સપ્લાય બંધ હોવાથી ટેન્કરથી પાણી મંગાવવાતું હતું. આ પાણી પણ પુરતું ન હોવાથી પાણીની ખેંચ પડતી હતી. ગાયનેક વોર્ડમાં પાણીનો વપરાશ વધુ રહેતો હોવાથી ગાયનેક બી યુનિટમાં આશરે ૯ જેટલી મહિલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં જવા સલાહ આપવામાં આવી હતી. આથી ગરીબ દર્દીઓને નાછુટકે ખાનગી કે અન્ય હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી. વી.એસ. હોસ્પિટલના આવા રેઢિયાળ તંત્રને લીધે ગરીબ દર્દીઓને હેરાન પરેશાન થવું પડયું હતું.