ગાંધીનગર,તા.૧
રાજ્યમાં પાણીની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે. પીવાના અને સિંચાઇ માટેના પાણીનો મોટો પ્રશ્ન સર્જાયો છે. રાજ્ય સરકારે જળસંચય અભિયાન ક્યું હોવા છતાં પાણીની અછત થઈ છે. ચાલું વર્ષે રાજ્યમાં ઓછા વરસાદને કારણે આ અછતની સ્થિતિ સર્જાઇ છે અને પાણીની ઘટ જોવા મળી રહી છે.
ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં માત્ર ૩૩.૯૪ ટકા પાણીનો જથ્થો હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત મધ્યગુજરાતના ૧૭ ડેમમાં ૮૫.૯૪ ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૪૬.૩૭ ટકા પાણી ઉપલબ્ધ છે. તો કચ્છના ૨૦ ડેમમાં માત્ર ૧૩.૬૬ ટકા જ પાણી બચ્યું છે. સૌરાષ્ટ્રના ૧૩૮ નાના-મોટા ડેમમાં ૩૦.૦૨ ટકા જ પાણી બચ્યું છે.
રાજ્યના કુલ ૨૦૩ ડેમમાં ૪૭.૩૩ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા કમાન્ડ એરિયામાં ૧.૬૩ મિલિયન એકર ફૂટ પાણી અપાયું છે. હાલ રાજ્યમાં રવીપાક માટે ૪ મિલિયન એકર ફૂટ પાણી આપવાનો નિર્ણય કરાયો છે. રાજસ્થાનને હાલમાં ૧૫૦૦ ક્યૂસેકથી વધુ પાણી આપ્યું હતું. પીવાના પાણી માટે પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનો સરકારે દાવો કર્યો છે.