(એજન્સી) કોચી, તા. ૨૦
પૂરગ્રસ્ત કેરળના ચેગન્નુરની આસપાસના પાંચ ગામોમાં હજીપણ ઓછામાં ઓછા એક હજાર લોકો ફસાયેલા છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી ઓસરતા બચાવ કામગીરી કરી રહેલાઓને કેટલાક શબ મળ્યા છે. તિરૂવનંતપુરમ અને કોચી વચ્ચે યાત્રીઓથી ભરચક ટ્રેનો પણ દોડતી થઇ ગઇ છે. જોકે, સમગ્ર કેરળમાં ખાસ કરીને કોચી અને તિરૂવનંતપુરમમાં પીવાના પાણીની અછત અને મચ્છરોને કારણે રોગચાળો ફેલાવવાનો ભય હજીપણ સૌથી ચિંતા છે. કોચીમાં નોકાદળના બેઝથી વિમાન સેવાઓ શરૂ થઇ ગઇ છે.
કેરળના પૂરની પરિસ્થિતિ
અંગેની મહત્વની વિગતો
૧. ત્રિસુર અને ચેગન્નુર જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી રેસ્ક્યુ વર્કર્સને મૃતદેહ મળ્યા છે. કેટલાક વિસ્તારોમાં ૧૦-૧૫ ફૂટ પાણી ભરાઇ ગયાં હતાં.
૨. ચેગન્નુરની આસપાસના વિસ્તારોમાં ૧૦૦૦ કિલો રાહત સામગ્રી હેલિકોપ્ટરમાંથી ફેંકવામાં આવી છે. અહીં ફસાયેલા ૬૦૦ લોકોને બચાવી લેવાયા છે.
૩. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે પૂરગ્રસ્તોના પુનઃવસન પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.
૪. છેલ્લા ૨૪ કલાકમાં ત્રિશુરમાં વરસાદ પડ્યો નથી. લોકો પોતાના ઘરો તરફ પાછા ફરી રહ્યા છે. હેલિકોપ્ટર્સમાંથી દવાઓ અને સાબુ અને ફૂડપેકેટ્‌સ તેમ જ પાણી ફેંકવામાં આવી રહ્યા છે.
૫. સમગ્ર કેરળમાં કેન્દ્રે ૩૭૦૦ મેડિકલ કેમ્પ શરૂ કર્યા છે. રોગચાળો ફેલાતા અટકાવવા માટે દરેક દર્દી પર સક્રિય રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે. ૮૦૦ ટન તાજું પાણી અને દવાઓ સહિત ૧૮ ટન સહાયની સામગ્રી સાથે આઇએનએસ દીપક મુંબઇથી રાહત સામગ્રી સાથે કેરળ આવી ગયું છે.
૬. કેરળના મુખ્યપ્રધાને જણાવ્યું કે રાજ્યમાં પૂરગ્રસ્ત લોકને ખવડાવવા માટે પુરતો ખોરાક છે. મહત્વના ઘણા હાઇવે પર પૂરના પાણી ફરી વળ્યા હોવાથી પરિવહન મોટી સમસ્યા છે.
૭. રેડ એલર્ટ પાછું ખેંચી લેવાયું છે પરંતુ હજી પણ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ છે.
૮. એલાયન્સ એરની ૭૦ યાત્રીઓની પ્રથમ ફ્લાઇટ સોમવારે સવારે બેંગલુરૂથી કોચી આવી પહોંચી હતી. ઇન્ડિગો ટિ્‌વન ટર્બોપ્રોપ વિમાન પણ આવ્યું હતું અને ત્યાર પછી રવાના પણ થયું હતું.
૯. કેરળના મુખ્યપ્રધાને રેસ્ક્યુ ઓપરેશન્સમાં ભાગ લેનારા માછીમારોનો આભાર માન્યો છે. પ્રત્યેક બોટને દરરોજના ૩૦૦૦ રૂપિયા અપાશે. મિશન દરમિયાન બોટ્‌સને થયેલા નુકસાની સરકાર ભરપાઇ કરશે.
૧૦. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ જણાવ્યું કે સુપ્રીમકોર્ટના બધા જજીસ કેરળના મુખ્યપ્રધાનના રાહત ફંડમા ફાળો આપશે. વિનાશક પૂરમાં વિસ્થાપિત થયેલાઓમાં સુપ્રીમકોર્ટનમા જજ કુરિયન જોસેફના ભાઇ અને બહેનનો પણ સમાવેશ થાય છે.