અમદાવાદ, તા.૩
અમદાવાદ શહેરમાં ચોમાસાની મોસમ પુરી થઈ ગઈ છે આમ છતાં ઉનાળામા પડતી હોય એવી અસહ્ય ગરમીની વચ્ચે પણ મચ્છરજન્ય રોગ કાબુમા ન આવતા હોય એમ અમદાવાદ શહેરમાં એક માસમાં મેલેરીયા અને ઝેરીમેલેરીયાના કુલ મળીને ૧૨૩૦ જેટલા કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ ડેન્ગ્યુના પણ ૧૨૭ જેટલા કેસ નોંધાતા મ્યુનિસિપલ હેલ્થ મેલેરીયા વિભાગ દ્વારા કરવામા આવી રહેલી કહેવાતી કામગીરીની સામે નિષ્ફળતા છતી થવા પામી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,સામાન્ય રીતે અત્યારની પરિસ્થિતિમા ચોમાસાની વિદાય અને નવરાત્રીની સમાપ્તિ બાદ ફુુલગુલાબી ઠંડીની શરૂઆત થવી જોઈએ એની તુલનામા અમદાવાદ શહેરમાં ઉનાળાની મોસમમા પડતી હોય એવી ગરમી પડી રહી છે બીજી તરફ આવા વાતાવરણની વચ્ચે પણ અમદાવાદ શહેરમા પુરા થયેલા સપ્ટેમ્બર માસની અંદર ૩૦ દિવસમાં મચ્છરજન્ય એવા મેલેરીયાના કુલ મળીને ૧૦૧૫ જેટલા કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ ઝેરી મેલેરીયાના પણ ૨૧૫ જેટલા કેસ નોંધાવા પામ્યા છે આમ મેલેરીયા અને ઝેરી મેલેરીયાના મળીને કુલ ૧૨૩૦ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.જેને લઈને કયાંક ને કયાંક મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ મેલેરીયા દ્વારા કરવામા આવતી કાગળ પરની કાર્યવાહી તેમજ આ અંગે પ્રસિધ્ધ કરવામા આવી રહેલા આંકડા એ કાગળ ઉપરની કાર્યવાહી હોવાનુ ચિત્ર ઉપસાવી રહ્યા છે.અમદાવાદ શહેરમા વીતેલા એક માસની અંદર જેના માટે એડીસ ઈજીપ્તી નામના મચ્છરને કારણભૂત માનવામા આવી રહ્યા છે તેવા ડેન્ગ્યુના પણ કુલ મળીને ૧૨૭ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ આંકડામા ખાનગી પ્રેકટિસનરોના દવાખાના કે હોસ્પિટલોમા સારવાર લઈ રહેલા દર્દીના આંકડા ઉમેરવામા આવે તો આ આંક હજુ પણ વધી શકે એમ છે.શહેરમા એક માસમા ચીકનગુનીયાના પણ કુલ છ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.બીજી તરફ અમદાવાદ શહેરમા આ વર્ષની શરૂઆતથી જ ઠેરઠેર પ્રદુષિત પાણીની સમસ્યા સપાટી ઉપર આવી છે જે અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ અધિકારીઓને વારંવાર ટકોર કરવામા આવી હોવા છતાં પણ સમસ્યા ઉકેલવામા ઘણો વિલંબ કરવામા આવતો હોવાના કારણે અમદાવાદ શહેરમા સપ્ટેમ્બર માસમાં ઝાડા-ઉલ્ટીના કુલ મળીને ૪૪૫ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ પાણીજન્ય એવા કમળાના કુલ મળીને ૨૬૫ જેટલા કેસ નોંધાયા છે.ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં કમળાના કુલ ૨૩૪ કેસ નોંધાવા પામ્યા હતા જેની તુલનામા આ વર્ષે કેસની સંખ્યા વધી છે.આજ પ્રમાણે ઝાડા ઉલ્ટીના પણ ગત વર્ષે સપ્ટેમ્બરમા કુલ ૩૬૩ કેસ નોંધાવા પામ્યા હતા જેની સરખામણીમા આ વર્ષે સપ્ટેમ્બરમા કુલ ૪૪૫ કેસ નોંધાવા પામ્યા છે.જયારે ટાઈફોઈડના કુલ મળીને ૩૦ દિવસમા ૨૪૭ કેસ નોંધાવા પામ્યા છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમા લેવા વિભાગને નિષ્ફળતા મળી છે.
રોગચાળાનું ચિત્ર
અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે છતાં રોગચાળો કાબૂમાં આવી રહ્યો નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.
મચ્છરજન્ય કેસો
વિગત ૨૦૧૬ ૨૦૧૭
સાદા મેલેરીયાના કેસો ૧૦૦૯૪ ૭૬૯૬
ઝેરી મેલેરીયાના કેસો ૧૯૫૦ ૭૪૫
ચીકુનગુનિયા કેસો ૪૪૭ ૧૭૫
ડેન્ગ્યુના કેસો ૨૮૫૨ ૪૮૫
પાણીજન્ય કેસો
ઝાડા ઉલ્ટીના કેસો ૮૭૪૭ ૭૭૬૭
કમળો ૨૮૯૪ ૧૬૯૬
ટાઈફોઈડ ૩૦૧૬ ૨૦૯૮
કોલેરા ૧૦૨ ૭૦
આરોગ્ય વિભાગના પગલા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.
ક્લોરિન ટેસ્ટ ૩૯૩૯૨
બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના ૩૭૦૧
બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ ૧૫૮૯૬
ક્લોરીન ગોળીઓનું વિતરણ ૯૫૬૨૮૦
જંતુનાશક દવાનો છંટકાવ ૬૩૧૧૧૫
નોટિસ અપાઈ ૨૭૮૪
કોર્ટમાં દાખલ ફરિયાદ ૧૭૫
મોબાઇલ કોર્ટ દ્વારા દંડ ૧૯૯૭૫૦
વહીવટી ચાર્જ ૧૭૧૫૨૨૩