(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
શહેર નજીક આવેલ અનગઢ ગામનાં ૭ વર્ષનાં વિદ્યાર્થીનું વરસાદી પાણીમાં તણાઇ જવાથી મોત નિપજ્યું હતું.આજે સવારે બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર અનગઢ ગામમાં રહેતાં અજીતસિંહ રાઠોડનો ૭ વર્ષનો પુત્ર સંદિપ ગામમાં આવેલ શિયાકુઇ પ્રાથમિક શાળામાં ધો.૨માં અભ્યાસ કરતો હતો. સંદિપ સવારે શાળાએ ગયો હતો. સવારે ભારે વરસાદ શરૂ થતાં શાળાનાં સંચાલકો દ્વારા સ્કુલ વહેલી છોડી દેવામાં આવી હતી. સંદિપ પણ વરસતા વરસાદમાં ઘરે જવા નિકળ્યો હતો. દરમ્યાન ભારે વરસાદને કારણે તે સમયસર ઘરે પહોંચ્યો ન હતો. રાત સુધી તે ઘરે નહીં આવતા પરિવારજનો ચિંતાતૂર બન્યા હતા. અને તેના પિતાએ નંદેસરી પોલીસ મથકમાં પોતાના બાળકનું અજાણ્યા બાઇક ચાલકે અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે તપાસ આરંભી હતી. જેમાં સ્કુલ પાસે આવેલી એક કંપનીની બહાર લાગેલા સીસી ટીવી કુટેજ જોતાં સંદિપ સ્કુલમાંથી ધોધમાર વરસાદમાં નિકળ્યો હોવાનું જણાઇ આવ્યું હતું. પરંતુ તે કયાં ગયો તે જોવા મળ્યો ન હતો. દરમ્યાન આજે સવારે સ્કુલ પાસેની ખાડી કોતરમાંથી સંદિપનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે ચકચાર મચી જવા પામી હતી. શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ ગમગીની ફેલાઇ ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઇ પ્રાથમિક તપાસ કરતાં સંદિપ વરસાદમાં તણાઇ ગયો હોવાનું અનુમાન લગાવ્યું હતું.