અમદાવાદ, તા.પ
પાટીદારોને અનામત આપવા અને ખેડૂતોના દેવા માફી મુદ્દે આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ સાથે સરકારે ૧૨ દિવસ વીતવા છતાં કોઈ ચર્ચા કે વાટાઘાટો શરુ કરી નથી. જેથી બુધવારે સાંજે PASS કન્વિનર મનોજ પનારાએ પત્રકાર પરિષદ સંબોધી જનાવ્યું હતું કે જો આગામી ૨૪ કલાકમાં સરકાર અમારા મુદ્દાઓ પર ચર્ચા શરુ નહીં કરે તો હાર્દિક પટેલ ફરીથી જળનો ત્યાગ કરશે. મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ૧૨ દિવસ છતા સરકારના પેટનું પાણી નથી હલતું, સરકાર કોઈપણ પ્રકારની વાટાઘાટો કરવા તૈયારી નથી. અંગ્રેજ સરકાર પણ જ્યારે ગાંધીજી અને સરદાર પટેલ ઉપવાસ પર બેસતા ત્યારે ચર્ચા કરતી હતી. હાર્દિક પટેલ તરફથી હું જણાવુ છું કે જો સરકાર આગામી ૨૪ કલાકમાં વાટાઘાટો શરુ નહીં કરે તો હાર્દિક પટેલ પાણીનો ત્યાગ કરશે. આ ખેડૂતો, બેકાર યુવાનો અને ગુજરાતના ચાર કરોડ લોકોની સમસ્યાઓની વાત છે. હાર્દિકને કિડનીમાં ચેપ લાગ્યો છે. તેના પલ્સ અને બીપી પણ બરાબર નથી. ત્યારે બધાને ચિંતા છે પણ સરકાર કોઈ ચર્ચા નથી કરી રહી. સરકાર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. ખુલ્લા મને અમે આ સમસ્યાઓનું સમાધાન કરવા માગીએ છીએ. સરકારના મંત્રીઓ અને અધિકારીઓએ હાર્દિક પટેલ પાસે આવી સીધી વાત કરવી જોઈએ. અમારી માત્ર ત્રણ માગણીઓ છે કે અલ્પેશ કથિરીયાને મુક્ત કરો, ખેડૂતોનું દેવુ માફ કરો અને પાટીદારોને અનામત આપો. બીજા રાજ્યોમાં જો ખેડૂતોનું દેવુ માફ થઇ શકે તો ગુજરાતમાં કેમ નહી? જો સરકાર ૨૪ કલાકમાં હાર્દિક પટેલ સાથે વાટાઘાટો નહીં શરુ કરે તો જે કોઈ પરિણામ આવે તે માટે સરકાર જવાબદાર રહેશે.