(એજન્સી) તા.ર
પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા મહારાષ્ટ્ર ભાજપને હચમચાવી નાંખનાર રાજ્યના પૂર્વ મંત્રી પંકજા મુંડેએ હવે તેમના ટ્‌વીટર બાયોમાંથી ભાજપનું નામ દૂર કરી ભગવા પાર્ટીને વધુ એક આંચકો આપ્યો છે. એવું માનવામાં આવે છે કે, પંકજા મુંડે ભાજપ છોડી શિવસેનામાં સામેલ થઈ શકે છે. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે આ અંગે સંકેતો પણ આપ્યા હતા. આ પહેલાં પંકજા મુંડેએ મહારાષ્ટ્રમાં બદલાયેલા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખી પોતાની ભાવિ યાત્રા અંગે ફેસબુક પર એક પોસ્ટ લખી હતી. જેમાં તેમણે તેમના સમર્થકોને ૧ર ડિસેમ્બરના રોજ તેમના પિતા અને પૂર્વ ભાજપ નેતા સ્વર્ગીય ગોપીનાથ મુંડેની જયંતી નિમિત્તે ગોપીનાથગઢમાં યોજવામાં આવેલી બેઠકમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. અહીં સ્વર્ગીય ગોપીનાથ મુંડેનું સ્મારક આવેલું છે.