અમદાવાદ,તા.૨૫
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ના પેપરની ઉત્તરવહી ચકાસણી કરી ચૂકેલા શિક્ષકોની ગંભીર ભૂલો સામે આવી છે કે જેઓએ વિદ્યાર્થીઓના પેપર તપાસી માર્ક્સ મૂકવામાં ભૂલો કરી હોય. આવા તમામ શિક્ષકોને બોર્ડ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી છે. કસૂરવાર શિક્ષકોની લગભગ ૪૦ હજાર જેટલી ભૂલો પકડાઇ છે. જેમાં ૩પ૦૦ જેટલા કેસમાં ૧૦ કે તેથી વધુ માર્કની ભૂલ પકડવામાં આવી છે. આવા બે જવાબદાર અને બેદરકારીથી ઉત્તરવહીની ચકાસણી કરતા શિક્ષકોએ હવે બોર્ડ સમક્ષ ખુલાસા માટે હાજર થવું પડશે. ગયા વર્ષ કરતાં આવી ભૂલ કરનારા શિક્ષકોની સંખ્યા વધારે છે. બોર્ડ આ બાબતે ગંભીર છે કે જો દંડ જેવી મામૂલી રકમ ભરીને છટકી શકાતું હશે તો ગંભીરતા રહેશે નહીં. દંડ ઉપરાંત શિક્ષકોને વધારાની સજા કરવી તે શિક્ષકોના કારણ દર્શક નોટિસના ખુલાસા અને રૂબરૂ રજૂઆત બાદ નક્કી કરવામાં આવશે. બોર્ડના સત્તાધીશો પણ સ્વીકારે છે કે આવી રીતે ભૂલોને સુધારવામાં ન આવે તો વિદ્યાર્થીઓને અન્યાય થાય. આ અંગે ગુજરાત બોર્ડના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્‌યુટી એમ.એન. પઠાણે જણાવ્યું હતું કે શિક્ષકોએ ઉત્તરવહીની ચકાસણીમાં મોટા ભાગે સરવાળાની ભૂલો કરી છે. ૩૭ માર્કના ર૭ તો ક્યાંક પ૦ના રપ માર્ક આપ્યા છે. ફાઇનલ રિઝલ્ટ બનાવાય ત્યારે ડેટા એન્ટ્રી કરતી વખતે ક્રોસ ટોટલિંગ ચેક થાય છે. જેમાં આ ભૂલો પકડાઇ છે જે ચિંતાનો વિષય છે. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં ૧૧.૦ર લાખ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી. ૧ર,૦૦૦ જેટલા શિક્ષકોએ પેપર તપાસવાની કામગીરી કરી હતી. જેમાં શિક્ષકોએ સરવાળામાં અત્યંત ભૂલો કરી છે. ર+૩+૧=૬ થાય તેના બદલે ૧૬ માર્ક આપ્યા છે. તો ક્યાંક ૧પ માર્કનું ટોટલ થાય તેના ૩૪ માર્ક આપ્યા છે. ગયા વર્ષે ૧૦ માર્ક કે તેથી વધુ માર્કની ૧ર૩૭ ભૂલો પકડાઇ હતી. પેપર તપાસવામાં ઉતાવળ અને ભૂલો કરનારા શિક્ષકો પાસેથી એક ભૂલના રૂ.પ૦ લેખે કુલ ૬.૬૭ લાખ દંડ વસૂલવામાં આવ્યો હતો. શિક્ષકોને રૂબરૂ બોલાવ્યાના સમયે ઉત્તરવહી પણ બતાવવામાં આવશે. આગામી દિવસોમાં બોર્ડ દ્વારા શિક્ષકોનો ખુલાસો જાણી તેઓની વિરૂધ્ધ નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.