(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ નિશાનો સાધવામાં કોઇ કસર બાકી રાખી નથી. ભાજપે એક વીડિયો જારી કર્યો છે જેમાં રાહુલ ગાંધીને સંબોધીને યુવરાજ શબ્દનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે રાજ્યમાં થનારી ચૂંટણીઓ માટે એક ઇલેક્ટ્રોનિક જાહેરાતમાં પપ્પુ શબ્દનો ઉપયોગ કરવા સામે ભાજપ પર રોક લગાવી છે જો કે, યુવરાજ શબ્દનો ઉપયોગ કરવાની મંજૂરી મળ્યા બાદ ગુજરાત ભાજપે ફેસબુક પેજ પર નવી જાહેરાત જારી કરી દીધી છે. ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ ટીખળના ભાગરૂપે એકબીજા પર નિશાન તાકી રહ્યા છે. રાહુલ ગાંધીને પપ્પુ કહીને સંબોધવા પર પ્રતિબંધ મુકાતા ગુજરાત ભાજપના નેતાઓ હવે રાહુલને સોશિયલ મીડિયા પર યુવરાજ અથવા શાહઝાદા કહીને સંબોધી રહ્યા છે. હવે ૪૯ સેકન્ડની જાહેરાતમાં એક કરિયાણાની દુકાનમાં કામ કરતી વ્યક્તિ તેના માલિકને કહે છે ‘‘સર જુઓ યુવરાજ આવી ગયા લાગે છે.’’ જ્યારે દુકાનદાર કહે છે કે, તેઓ તેમને કોઇપણ વસ્તુ આપી દેશે પણ વોટ નહીં આપે કારણ કે, ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં તોફાનો દરમિયાન મારી દુકાન બળી ગઇ હતી. વીડિયોમાં દુકાનદારની પત્ની પણ એમ કહી રહી છે કે, તે તો ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જ મત આપશે. નોંધનીય છે કે, ગુજરાતમાં ૯ અને ૧૪મી ડિસેમ્બરે ચૂંટણીઓ યોજાશે. ભાજપને પપ્પુ શબ્દનો ઉપયોગ કરવા સામે રોકવા અંગે પક્ષે ખુલાસો કર્યો હતો કે, તેઓ કોઇને વ્યક્તિગત રીતે સંબોધી રહ્યા નથી. જો કે, ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના નેજા હેઠળની મીડિયા કમિટીએ આ શબ્દોનો ઉપયોગ કરવા સામે રોક મુકી હતી. ભાજપના પ્રવક્તા હર્ષદ પટેલે કહ્યું છે કે, ચૂંટણી અંગેની જાહેરાત બનાવતા પહેલા અમારે સમિતિ પાસેથી પ્રમાણપત્ર લેવા માટે સ્ક્રીપ્ટ દેખાડવી પડે છે. જો કે, પંચે પપ્પુ શબ્દને વાંધાજનક ગણાવતા તેનો વિરોધ કર્યો હતો.