નવી દિલ્હી, તા.૨૪
અફઘાનિસ્તાને વર્લ્ડ કપ માટે ૧૫-સભ્યના પોતાના સંઘની જાહેરાત કર્યા બાદ, તેના ભૂતપૂર્વ કોચ લાલચંદ રાજપૂતે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ટીમ સ્પર્ધામાં કેટલીક ટોચની ટીમોને અણધાર્યો પરાજય આપી શકે છે અને તેનો મુખ્ય આધાર તેના સ્પિનરો પર રહેલો છે.
“અફઘાનિસ્તાન પાસે મુખ્યત્ત્વે સ્પિનરો સાથે ઘણું સારૂં બૉલિંગ આક્રમણ છે અને ઈંગ્લેન્ડમાં તેના બૉલરો ક્યારેય તેઓના માનીતા દિવસે રમતનો ચહેરો પલટી નાખી તથા કોઈ ટોચની ટીમને પરાજય આપી શકે છે, એમ હાલ ઝિમ્બાબ્વેની ટીમના કોચ તરીકે રહેતા રાજપૂતે કહ્યું હતું.
અફઘાનિસ્તાનની ટીમના બે મુખ્ય સ્પિન બૉલર છે આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ના સિતારા રશીદ ખાન અને મોહમ્મદ નબી. ગુલબદીન નબી ટીમનું નેતૃત્વ કરશે.ભારતની ટીમના ભૂતપૂર્વ મૅનેજર રહી ચૂકેલ રાજપૂતે વધુમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની બૅટિંગ થોડી મંદ છે જ્યાં મોહંમદ શાહઝાદ મુખ્ય બેટધર છે જે પિચ પર સ્થાયી થતા ઝડપથી રન કરી શકે છે, પણ તેના બૉલરો કોઈ દિવસે પ્રબળ ટીમને પણ પછાડી શકે છે. રાજપૂતે મુજીબ ઉર રહેમાનને પણ સારા સ્પિનર તરીકે ગણાવ્યો હતો.