પેટાચૂંટણીઓમાં ભાજપે પોતાનો કંગાળ દેખાવ ચાલુ રાખ્યો છે. છેલ્લા બે વર્ષમાં છ લોકસભા બેઠક ગુમાવ્યા બાદ ભાજપે ગુરૂવારે તેની વધુ બે લોકસભા બેઠક ગુમાવી હતી જે તેણે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં જીતી હતી. પશ્ચિમ ઉત્તરપ્રદેસની કૈરાના, મહારાષ્ટ્રની પાલઘર અને ભંડારા-ગોંદિયા અને નાગાલેન્ડની બેઠક હાર્યા બાદ ભાજપનો કુલ ૫૪૫ સભ્યોવાળી લોકસભામાં બેઠકનો  આંકડો ઓછો થઇ ગયો છે. વિધાનસભા પરિણામોમાં પણ ભાજપ ફક્ત બે વિધાનસભા બેઠક જીતી શક્યું હતું. ફુલપુર અને ગોરખપુર બાદ જાટ નેતા અજીતસિંહના રાષ્ટ્રીય લોકદળના ઉમેદવાર તબસ્સુમ હસનને સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને માયાવતીના બસપાનો સાથ મળ્યો હતો અને તેમણે ભાજપના ગુજ્જર નેતા હુકુમસિંહના પુત્રી મૃગાંકાસિંહને હરાવ્યા હતા. કૈરાનાની મહત્વની બેઠક પર જીત મેળવી તબસ્સુમ હસન ઉત્તરપ્રદેશમાંથી પ્રથમ મુસ્લિમ સાંસદ બનવા જઇ રહ્યા છે. નાગાલેન્ડની એકમાત્ર બેઠક પર ભાજપે જીત મેળવી આશ્વાસન મેળવ્યું છે. દરમિયાન ભાજપે બિહારની જોકીહાટ અને ઝારખંડની બંને બેઠક પર પણ હારનો સામનો કરવો પડ્યો છે. જોકે કેરળ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાં ભાજપે વધુ મતો મેળવીને ભવિષ્ય માટે આશા જગાવી છે.