અમદાવાદ,તા. ૫
પરિણિત યુવતી સાથે અનૈતિક સંબંધો કેળવી તેનું જાતીય શોષણ કરી ભયંકર ત્રાસ આપી તેણીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર જામનગર સ્થિત એસઆર કંપનીના કર્મચારી એવા આરોપી નિપુર્ણ અતુલકુમાર શર્માની આગોતરા જામીનઅરજી આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન્સ જજે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે આરોપીના ગુનાની ગંભીરતા અને કેસની તપાસના નાજુક તબક્કાને ધ્યાને લઇ આરોપી નિપુર્ણ શર્માને આગોતરા જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને તેની અરજી ધરાર ફગાવી દીધી હતી.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં જુગલ એપાર્ટમેન્ટ ખાતે રહેતા મુકેશ મોદીની પત્ની કિંજલ સાથે જામનગરની એસઆર કંપનીના કર્મચારી એવા આરોપી નિપુુર્ણ અતુલકુમાર શર્માએ પરિચય કેળવી તેની સાથે ઐનિતક સંબંધો વિકસાવી તેનું જાતીય શોષણ કરી તેને ભયંકર હદે ત્રાસ આપ્યો હતો. આરોપીએ વોટ્‌સ એપ અને ફેસબુક પર કિંજલની વાંધાજનક તસ્વીરો પણ પોસ્ટ કરી તેને ધમકીઓ આપી હેરાનપરેશાન કરી નાંખી હતી અને બ્લેકમેઇલ કરતો હતો. આખરે કંટાળીને કિંજલે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં આરોપી નિપુર્ણ શર્માએ અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીનઅરજીનો સખત વિરોધ કરતાં એડવોકેટે જણાવ્યું હતું કે, આરોપી ખૂબ જ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે, તેની વિરૂધ્ધ ફેસબુક, વોટ્‌સ અપ સહિત સોશ્યલ મીડિયાના અને મરનાર સાથેના સંપર્કો સાબિત કરતાં નક્કર અને મજબૂત પુરાવા પોલીસને પ્રાપ્ત થયા છે. આરોપીના ભયંકર ત્રાસ અને બ્લેકમેઇલીંગના કારણે ફરિયાદીની નિર્દોષ પત્નીને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. આમ, આરોપી વિરૂધ્ધ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો હોઇ, તેની સામે પૂરતા પુરાવા હોઇ અને કેસની તપાસ નાજુક તબક્કામાં હોઇ કોર્ટે કોઇપણ સંજોગોમાં આરોપી નિપુર્ણ શર્માને આગોતરા જામીન આપવા જોઇએ નહી. આ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી નિપુર્ણ શર્માની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. પરિણિતાને બ્લેકમેઇલિંગ કરવા, શોષણ કરવા સાથે સંબંધિત મામલાને લઇને ઉંડી તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ કેટલીક ચોંકાવનારી વિગતો ખુલી હતી. હાઈકોર્ટે હાલમાં તમામ પાસાઓને ધ્યાનમાં લઇને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. આગોતરા જામીન અરજીમાં તર્કદાર દલીલો કરાઈ હોવા છતાં ધ્યાન અપાયું ન હતું.