અમદાવાદ,તા.૨
શહેરમાં ચાલતી ટ્રાફિકની ડ્રાઈવને ટ્રાફિક પોલીસ આજથી વધુ કડક બનાવવા જઈ રહી છે. ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે શહેરની શાળા-કોલેજો, મોલ, હોસ્પિટલ, કોમ્પ્લેક્સ વગેરે મિલકતોને ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી નોટિસનું પાલન નહિ કરનાર મિલકતોનું લિસ્ટ તૈયાર કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવશે અને પાર્કિંગ મુદ્દે સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ફ્લેટ, સોસાયટી તેમજ મિલકતોની બહાર નો-વિઝિટર પાર્કિંગનાં બોર્ડ લગાવનારા લોકોની પણ યાદી તૈયાર કરી તેમની સામે પગલાં લેવા પણ મ્યુનિને જાણ કરવામાં આવશે.ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે શહેરની શાળા-કોલેજો, મોલ, હોસ્પિટલ, કોમ્પ્લેક્સ વગેરે મળી અંદાજિત ૧૦૦૦ મિલકતોને ટ્રાફિક પોલીસ નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ બાદ પણ મિલકતના સંચાલકો દ્વારા પાર્કિંગ મામલે કોઈ પગલાં અથવા વ્યવસ્થા નહિ કરવામાં આવી હોય તો આજથી તેમનું લિસ્ટ ટ્રાફિક પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવશે.
જે પણ મિલકતો દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી તેની સામે હવે કડક પગલાં લેવામાં આવશે. ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ મુદ્દે અમરાઈવાડી ટોરેન્ટની ઓફિસને સીલ મારી દેવામાં આવ્યું હતું.પાર્કિંગની પૂરતી સુવિધા ન હોવાના કારણે શાળા-કોલેજો, મોલ, કોમ્પ્લેક્સ વગેરેમાં આવતા લોકો બહાર રોડ પર જ વાહન પાર્ક કરી દે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. પાર્કિંગ મામલે ટ્રાફિક પોલીસની નોટિસને અવગણનારા વિરુદ્ધ હવે કડક કાર્યવાહી ઉપરાંત ફ્લેટ, સોસાયટી તેમજ મિલકતોની બહાર નો-વિઝીટર પાર્કિંગના બોર્ડ લગાવનારા સામે પણ હવે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે.