(સવાદદાતાદ્વારા) મહેસાણા,તા.૧૮
મહેસાણા એસઓજી પોલીસને મળેલી બાતમીને આધારે આજે પોલીસની ટીમે શહેરમાં પરા વિસ્તારમાં આવેલ અંબાજી માતાના મદિરમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન મદિરના મહંતના રૂમમાંથી હિમાચલ પ્રદેશથી ભગવા કપડાં ધારણ કરીને આવેલી એક મહિલા સહિત ચાર વ્યકિત ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી રૂા.૮૦,૫૦૦નું ચરસ અને ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
મહેસાણાના પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાની સુચના મુજબ મળેલી માહિતી મુજબ પીએસઆઈ પરમાર સહિતના સ્ટાફે આજે શહેરમાં આવેલા પરાના અંબાજી મંદિરમાં રેડ કરી હતી. અહીથી હિમાચલપ્રદેશના રાજગઢથી મોઘીદાટ ગાડીમાં ભગવા કપડાં ધારણ કરીને આવેલી દુર્ગાપુરી પ્રેમસિહ ચૌહાણને ઝડપી લીધી હતી. પોલીસ તપાસમાં તે ચરસ અને ગાંજાનુ વેચાણ મંદિરના મહંત રામકિશોરદાસ ગુરુજાનકીદાસને કરવા આવી હોવાનું ખુલ્યુ હતું. જેથી પોલીસે આ સ્થળેથી મહિલા અને મહંત ઉપરાંત પ્રેમસિહ ચૌહાણ અને અશ્વિન ચૌહાણની ધરપકડ કરી હતી. જયારે આ સ્થળેથી ચરસ, ગાંજા સાથે ગાડી, રોકડ અને મોબાઈલ મળી રૂા.૧૧.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી.