વાપી, તા.૩૦
૧લી સપ્ટેમ્બર વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલ નાનાપોંઢા ગામે ખેડ સત્યાગ્રહ દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલ સહિત ગુજરાત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળેલ છે.
પ૦ વર્ષ પહેલા સ્વ. ઈશ્વરભાઈ દેસાઈ અને કોંગ્રેસના વયોવૃદ્ધા અગ્રણી નેતા ઉત્તમભાઈ પટેલ ૩૩ હજાર એકર જમીન ભૂમિવિહોણા ખેડૂતોને સત્યાગ્રહ કરીને અપાવી હતી. ત્યારથી પારડી તાલુકો સમગ્ર દેશમાં સત્યાગ્રહના આંદોલનથી જાણીતો થઈ ગયો અને દર વર્ષે કોંગ્રેસના, દેશના અને ગુજરાતના અગ્રણીઓ આ ખેડ સત્યાગ્રહ રેલીમાં જોડાઈને જાહેરસભા યોજે છે અને ઉત્તમભાઈને યાદ કરીને ૧લી સપ્ટેમ્બરનો દિવસ મનાવે છે.
વલસાડ, ડાંગ વિસ્તારમાં આદિવાસી વસ્તી મોટા પ્રમાણમાં હોવાથી અહીંના આદિવાસીઓમાં આ પ્રસંગે ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. આ રેલીમાં સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સલાહકાર ભરૂચ જિલ્લાના લોકલાડીલા નેતા અને રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, તુષાર ચૌધરી, રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટીના સભ્ય ગૌરાંગ પંડ્યા, વલસાડ જિલ્લા પ્રમુખ કિશનભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખ નિમેશ વરન, પારડી તાલુકા પ્રમુખ ભરતભાઈ પટેલ વાપી વિરોધપક્ષના નેતા ખંડુભાઈ પટેલ સહિત અને કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો, ખેડૂતો આદિવાસીઓ હાજર રહેશે. જ્યારે બીજી તરફ અહમદભાઈ પટેલના વિજયથી ભાજપ છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે જેથી ભાજપના કેટલાક નેતાઓ દ્વારા ગોબલ્સ પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને આદિવાસીઓને ભરમાવી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યાં છે. જો કે ઉત્તમભાઈની વધતી ઉંમરના કારણે તેઓ આ રેલીમાં હાજર રહેશે કે કેમ તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.
આ ખેડ સત્યાગ્રહને સફળ બનાવવા કપરાડા તાલુકાના કોંગ્રેસી ધારાસભ્ય જીતુભાઈ ચૌંધરી વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ તથા અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.