(એજન્સી) શામલી,તા.૨૧
ઉત્તરપ્રદેશના શામલી જિલ્લામાં બે ગાયોની ચોરીની આશંકાએ ગૌરક્ષક સમૂહના પ્રમુખના નેતૃત્વમાં ટોળાએ બે મુસ્લિમ યુવકોને ઢોરમાર મારી પરેડ કરાવી હતી. પોલીસે જણાવ્યું કે, ગોરક્ષાના સમૂહના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે અને બંને યુવકો પર ગૌહત્યા રોકવાના કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક શ્રલોક કુમારે કહ્યું કે, દિલશાદ અને શાહરૂખ એક મંદિરના પૂજારીથી બે ગાયો ખરીદીને પોતાના ગામ લઈ જઈ રહ્યા હતા. આની વચ્ચે ટોળાએ ટ્રકનો પીછો કર્યો અને તેમના પર હુમલો કર્યો હતો. ગૌરક્ષક સમૂહના પ્રમુખ અનુજ બંસલની ધરપકડ કરવામાં આવી છે અને બાકી કાર્યકર્તાઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
ફરિયાદ મુજબ વાહન પર સવાર બે યુવકો અને પૂજારીએ હુમલાવરોને જણાવ્યું કે, તેઓએ ગાયને પાળવા માટે લીધી છે. પણ આરોપીઓએ બંને યુવકો સાથે મારપીટ કરી અને એ વિસ્તારમાં તેમની પરેડ કરાવી. પૂજારી પર હુમલો નહતો કરવામાં આવ્યો. અધિકારીએ જણાવ્યું કે, ઘટના વિશે સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને યુવકોને બચાવ્યા.