(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૭
રાજ્યમાં કરોડોના ખર્ચે યોજાતા વાયબ્રન્ટ સમિટમાં રોકાણ કરવા મોટા ઉદ્યોગો એમ.ઓ.યુ. કરીને સરકાર પાસેથી સસ્તી જમીનો, કરોડોની લોન અને સબસિડી મેળવી ઉદ્યોગમાં સ્થાનિક યુવાનોને રોજી આપતા નથી. બીજી તરફ રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થવાથી લાખો શિક્ષિત અને અર્ધશિક્ષિત યુવાનો બેરોજગારો બન્યા છે. ત્યારે રાજ્ય સરકારે વાયબ્રન્ટ તાયફા બંધ કરી અછતનો સામનો કરતા ખેડૂતો, ગરીબો અને બેરોજગારોની ચિંતા કરવી જોઈએ એમ આજરોજ પત્રકારોને સંબોધન કરતા વિધાનસભા વિરોધપક્ષોના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે. ગુજરાત રાજ્યમાં ૪ લાખ જેટલા નાના-મોટા ઉદ્યોગો આર્થિક રીતે મૃતપ્રાય થઈ ગયા છે. ત્યારે અછત, પાણીની વિકટ પરિસ્થિતિ, વધતી બેરોજગારી વચ્ચે વાયબ્રન્ટના તાયફા બંધ કરવાનું જણાવતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે, ઓદ્યોગિક ક્ષેત્રે વર્ષ ૨૦૦૩ પહેલા નંબર એક-બે રહેલું ગુજરાત અત્યારે છઠ્ઠા નંબરે આવી ગયું છે. જીએસટી અને નોટબંધીના કારણે ઓદ્યોગિક મંદી, અછત અને બેરોજગારીના કારણે દરરોજ ૬૦ લોકો આપઘાત, આત્મહત્યાની કોશિશ કે અપમૃત્યુ દ્વારા અકાળે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. આથી તેમને જીવાડવા માટે પ્રજાના પૈસાથી ભરાયેલી સરકારની તિજોરીના રૂપિયા વાયબ્રન્ટ પાછળ વેડફ્વાના બદલે ખેડૂતોને પોષણક્ષમ ભાવો સાથે દેવા માફી, રોજગારી તેમજ ગરીબોના બાળકોને શિક્ષણ માટેની ફી માટે વાપરવા માગણી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આઝાદીકાળથી સમગ્ર દેશ અને વિશ્વમાં વિકાસનું ગ્રોથ એન્જીન રહેલાં ગુજરાતનો વિકાસ આગળ ધપાવવામાં આજે રાજ્યના જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યા છે. એનડીએ સરકારમાં ગુજરાતના ૮૦ ટકા નાના-મોટા ઉદ્યોગોને મંદીના પડેલા મારાથી સપ્ટેમ્બર-૧૮માં ઓદ્યોગિક વિકાસ દર ઘટીને ૫.૮૪ ટકા જેટલા નીચા સ્તરે પહોંચી ગયો છે. જે નવેમ્બર-૧૩થી ૨૦૧૪ સુધી ૧૩.૮ ટકાથી લઇ ૧૯ ટકા સુધી હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રૂપિયો સૌથી ઉંચી સપાટીએ જતા નિકાસ દર ૨.૧૫ ટકા જેટલો નેગેટીવ ઝોન તરફ રહ્યો છે. જ્યારે નોટબંધી અને જીએસટીના કારણે સુરત સહિત રાજ્યભરમાં ટેકસટાઇલ ઉદ્યોગમાં ૩૫ ટકા યુનિટ બંધ કે મૃતપ્રાય થઇ ગયા છે. રાજ્યમાં ગંભીર ઔદ્યોગિક અને આર્થિક કટોકટીના કારણે ૨૦૦૩થી યોજાતા વાયબ્રન્ટના તાયફાની પોલ ખુલી રહી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, ગુજરાત ઔદ્યોગિક રોકાણમાં અત્યારે છઠ્ઠા ક્રમે ધકેલાયું છે. જેમાં વાયબ્રન્ટની સહયોગી સંસ્થાઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પણ નાના-લઘુ ઉદ્યોગોમાં મંદી હોવાનું જણાવી તેનો ઉકેલ લાવવા સરકારને રજૂઆત કરી છે. ઔદ્યોગિક ક્ષેત્રે ૮૦ ટકા સ્થાનિક રોજગારી આપવાના નિયમ હોવા છતાં રોજગારી છીનવાઈ જતા યુવાનો હતાશ થઇ જીવનનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આથી રાજ્ય સરકારે આ બધાને જીવાડવા માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને દેવા નાબૂદી કરવા સાથે જીએસટીની વિસંગતતા દૂર કરવી જોઈએ.