અમદાવાદ,તા.૮
ભારતીય જનતા પાર્ટીના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા મામલે વિપક્ષે આક્રમક પ્રતિક્રિયા આપતા તેમની રાજકીય હત્યા કરાવવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જયંતિ ભાનુશાળીની હત્યા મામલાને હરેન પંડ્યાની હત્યા સાથે જોડ્યો હતો. આ ઉપરાંત તેમણે નલિયાકાંડનો પણ આડકતરો ઉલ્લેખ કર્યો હતો. પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, “ભાજપના નેતાઓએ કચ્છની મીઠી ખારેક ખાધી હતી, આ વાતને છૂપાવવા માટે જયંતિ ભાનુશાળીનો ભોગ લેવાયો છે. આ એ જ રાજ્ય છે જ્યાં પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી.” નોંધનીય છે કે કચ્છમાં બહુ ગાજેલા નલિયાકાંડ વખતે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કચ્છના ભાજપના એક નેતા કચ્છની મહેમાનગતિ માણવા આવતા ભાજપના નેતાઓને છોકરીઓ પૂરો પાડતા હતા. આ મામલે જે તે સમયે ખૂબ હોબાળો થયો હતો.

ઉચ્ચકક્ષાએ તપાસ થાય તો સત્ય બહાર આવે : અમિત ચાવડા

જયંતિ ભાનુશાળીની હત્યા મામલે પ્રતિક્રિયા આપતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, નલિયાકાંડના સેક્સ રેકેટનો પર્દાફાશ ન થાય તે માટે જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે. આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ, જેના કારણે સત્ય બહાર આવે.
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી : શક્તિસિંહ ગોહિલ
ગુજરાત કોંગ્રેસના નેતા તેમજ બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ કે, “જયંતિ ભાનુશાલીની જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી છે તે અતિ દુઃખદ અને સમગ્ર રાજ્ય માટે ચિંતાનો વિષય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં અત્યંત કથળી ગઈ છે. રાજ્ય સરકાર IB (ઇટેલીજન્સ બ્યુરો)નો ઉપયોગ માત્ર રાજકીય ફાયદા માટે જ કરે છે. રાજકીય સ્વાર્થ માટે IBના દુરઉપયોગનાં કારણે રાજ્ય અને રાજકીય નેતાઓની સુરક્ષાનું કામ થઈ શકતું નથી. આના પરિણામે જયંતિ ભાનુશાલીની હત્યા જેવી કમનસીબ ઘટનાઓ બને છે.”

નેતાઓ સુરક્ષિત નથી તો આમઆદમીનું શું : કથીરિયા

પાસના કન્વિનર અલ્પેશ કથીરિયાએ જયંતિ ભાનુશાળીની હત્યા મામલે જણાવ્યું હતુ કે, “ચાલુ ટ્રેનમાં ઘૂસી જઈને ગોળી મારી દેવાની ઘટના સાબિત કરે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. નેતાઓ સુરક્ષિત નથી તો આમ આદમીની સુરક્ષાનું શું કહેવું. હરેન પંડ્યાની જેમ જ જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯માં પ્રથમ રાજકીય એન્કાઉન્ટર થયું છે.

જયંતિભાઈ કયા રાજ જાણતા હતા : લલિત વસોયા

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા લલિત વસોયાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, જયંતિ ભાનુશાળીની હત્યા રાજકીય અદાવતમાં થઈ છે. હરેન પંડ્યાની જેમ જ ભાનુશાળીની હત્યા કરાઈ છે. આ સાથે જ કોંગ્રેસે એવી પણ શંકા વ્યક્ત કરી છે કે, જયંતિભાઈ કયા રાજ જાણતા હતા કે હત્યા થઈ ગઇ ? શું નલિયા કાંડના રાજ જયંતિભાઈ જાણતા હતા? પૂર્વ ધારાસભ્ય સલામત નથી તો અન્યની સુરક્ષાનું શું આ ભાજપ સરકાર શું કરશે ? તેવો આરોપ પણ લગાવ્યો હતો.

ભાજપના વરિષ્ઠ નેતા પણ સુરક્ષિત નથી : મોઢવાડિયા

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અર્જુન મોઠવડિયાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ બધું ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે. ગુજરાતમાં કેવો માહોલ છે કે ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા પણ સુરક્ષિત નથી. બધાને ખબર હતી કે તેમના જીવને ખતરો છે તેમની હત્યા થઇ શકે છે. તો પણ તેમનાં માટે સુરક્ષા આપવામાં આવી ન હતી.