અમદાવાદ, તા.૧૭
સ્વપ્રસિદ્ધિમાં રાચના વડાપ્રધાન અને ભાજપ સરકારે કાળા ધનના કરોડો રૂપિયાથી જુઠ્ઠો પ્રચાર કરીને સત્તા મેળવી છે. રોકાણના અને રોજગારી આપવાના મોટામોટા દાવા કરાય છે છતાં એસસી, એસટી, ઓબીસી પાટીદાર સમાજે રોજગારી મેળવવા આંદોલન કરવા પડે છે. ગુજરાતમાં ૮ વાયબ્રન્ટ ઉત્સવો થયા બાદ ૭પ લાખ કરોડના મૂડી રોકાણના દાવા અને લાખો રોજગારીના સર્જનની થયેલી જાહેરાતો હકીકતમાં મૂડીરોકાણ અને રોજગારીના દાવાનું ‘મોદી મોડેલ’ પોકળ સાબિત થયું છે.
૯માં વાયબ્રન્ટ ઉત્સવ પહેલા કરોડો રૂપિયાના ખર્ચા-જાહેરાતો-સ્વપ્રસિદ્ધિ પછી ગુજરાતના નાગરિકોને શું ફાયદો થયો ? ગુજરાતમાં ખરેખર કેટલું મૂડીરોકાણ આવ્યું ? ગુજરાતના કેટલા યુવાનોને રોજગારી પ્રાપ્ત થઈ ? વગેરે પ્રશ્નનો જવાબ માંગતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રોજગારી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલીને બદલે પૂંજી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલીએ ગુજરાતની ભાજપ સરકારની નીતિ રહી છે. આ પ્રકારની નીતિથી પૂંજીપતિઓને ફાયદો થાય છે. ગુજરાત રાજ્યના સામાજિક-આર્થિક સમીક્ષા ર૦૧૬-૧૭ અંદાજપત્રમાં જણાવ્યા મુજબ રાજ્યમાં જાન્યુઆરી-૧૯૮૩થી ઓગસ્ટ-ર૦૧૬ સુધીમાં ઉદ્યોગ સાહસિકો પાસેથી રૂા.૧૩,૮પ,૭૦૦ કરોડ ના સંભવિત મૂડીરોકાણ સાથેના કુલ ૧પ,૧૦૯ આવેદનપત્રો (મેમોરેન્ડમ, ઈન્ટેન્ટ, પરમીશન) પ્રાપ્ત થયેલ. રાજ્યમાં તમામ રોકાણના અમલીકરણ માટે એક તંત્ર પ્રસ્થાપિત કરેલ છે. રાજ્યમાં તા.૩૦-૯-ર૦૧૬ની સ્થિતિએ રૂા.ર,૭પ,૮૮૦ કરોડનું મૂડીરોકાણ ધરાવતાં ૬રપ૧ એકમો ઉત્પાદનમાં આવેલ છે. વિધાનસભામાં આપેલા જવાબો મુજબ વાયબ્રન્ટ ર૦૦૩થી ર૦૧૭ સુધીમાં કુલ ૮૧,૭ર૬ પ્રોજેકટો પૈકી ૪ર,૩૪૧ પ્રોજેક્ટો અમલમાં આવેલ છે. વિધાનસભામાં આપેલ જવાબો મુજબ રાજ્યમાં આઠ વાયબ્રન્ટમાં રૂા.૭૪,૪૯,પર૬.પપ કરોડના સૂચિત મૂડીરોકાણ સામે રૂા.૧૧,૧૩,૬૦ર.૧૪ કરોડનું મૂડીરોકાણ થયું છે. રાજ્ય સરકારના સામાજિક આર્થિક સમીક્ષા ર૦૧૬-ર૦૧૭માં આપેલ આંકડા કરતા વાયબ્રન્ટ અન્વયે થયેલ મૂડીરોકાણ અંગેના વિધાનસભામાં આપેલ જવાબોમાં મૂડીરોકાણ કેવી રીતે વધી ગયું ? વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોના આપેલા જવાબ મુજબ રાજ્યમાં ર૦૦૮-૦૯થી ર૦૧૭-૧૮ સુધીમાં ઔદ્યોગિક મૂડીરોકાણ રૂા.૩,પ૦,૦૯૬.૬૮ કરોડ થયેલ છે. તો સામાજિક આર્થિક સમીક્ષા ર૦૧૬-૧૭માં આપેલા આંકડા મુજબ ૧૯૮૩થી તા.૩૦-૯-ર૦૧૬ની સ્થિતિએ રૂા.ર,૭પ,૮૮૦ કરોડનું મૂડીરોકાણ થયેલ છે. તો વિધાનસભામાં આપેલ જવાબ મુજબ ૧૦ વર્ષમાં રૂા.૩,પ૦,૦૯૬.૬૮ કરોડનું મૂડીરોકાણ કેવી રીતે થયું ? શ્રમ અને રોજગાર વિભાગના આંકડાઓ મુજબ રાજ્યમાં પ.૩૭ લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયેલ છે અને ન નોંધાયેલ શિક્ષિત બેરોજગાર ૩પ લાખથી વધુ છે ત્યારે વાયબ્રન્ટ ઉત્સવથી ગુજરાતના નાગરિકોને શું લાભ થશે ? કરોડો રૂપિયાના મૂડી રોકાણના દાવાઓ પછી હકીકતમાં ગુજરાતમાં ૮૯ % મહિલા અને ૯૦ % પુરૂષો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. કોંગ્રેસ શાસનમાં કાપડ ઉદ્યોગ ર૧ % રોજગાર આપતો હતો જે આજે ૧૧.૪% પણ રોજગારી આપતો નથી. જ્યારે ગરીબી ભૂખમરામાં ૪ર %નો વધારો થયો, બીપીએલ પરિવારોની સંખ્યા ર૬.૧૯ લાખથી વધીને ૩૧ લાખ થઈ ગઈ છે. ર૦૦૪થી ર૦૧૪ યુપીએ સરકારની સર્વાંગી વિકાસ કરનારી આર્થિક નીતિઓના કારણે લાખો પરિવારો આર્થિક રીતે સદ્ધર થતા હતા. આજે ભાજપની ગરીબ વિરોધી આર્થિક નીતિઓના કારણે બીપીએલ પરિવારોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષઃ ર૦૦ર-૦૩થી અંદાજપત્રમાં ૬ર લાખ લોકોને રોજગારી આપવાની જાહેરાત કરવામાં આવેલ અને રોજગારી આપવામાં નંબર-૧ના દાવાઓ કરવામાં આવે છે પણ પ-૭ હજાર જગ્યાઓ માટે ૧પ લાખ યુવાનો અરજીઓ કરે છે અને આવા યુવાનોને મળતિયાઓની ભરતી માટે થતાં પેપર કૌભાંડમાં ભોગ બનવું પડે છે. રાજ્યમાં દર વર્ષે ૧ લાખ બેરોજગારોનો વધારો થાય છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-ર૦૧૬ અને ર૦૧૭માં માત્ર ૧ર.૮૬૯ બેરોજગારોને જ સરકારી નોકરી પૂરી પાડવામાં આવી છે તે જ નંબર-૧ના દાવાની પોલ ખોલે છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ખેડૂતો અછતનો સામનો કરી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર વાયબ્રન્ટ તાયફાઓ કરે છે.