(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૯
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રશ્નોના લાંબા લાંબા જવાબો આપી સમય વ્યતિત કરતા હોવાનું જણાવી વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ તેના જવાબમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારો કર્યા સિવાય સીધા પરિપત્રથી પંચાયતીરાજના અધિકારો ઉપર તરાપ મારી રહી છે. એન.એ.માં ટ્રાન્ફરન્સી માટે નિર્ણય લેવાયો હોવાના નીતિન પટેલના જવાબ સામે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર પ્રજાના અધિકારો છીનવી રહી છે. ભ્રષ્ટાચારી ભાજપ સરકારના રાજમાં આખો રૂપિયો જ ગાયબ થઈ જાય છે.
બિનખેતીના અધિકારો જિલ્લા પંચાયતો પાસેથી લઈને કલેકટરોને આપી દેવાતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પેટા પ્રશ્નો અંગે ખુલાસો માંગી રહ્યા હતા. તેમાં નાયબ મુખ્યમંત્રીના જવાબ સામે વિરોધપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રીએ વાતવાતમાં એ સ્વીકાર કરી લીધો કે વિધાનસભામાં કાયદો ઘડનારી સંસ્થા ખુદ કાયદાનો ભંગ કરી શકે નહીં. મારે મુખ્યમંત્રીને અભિનંદન આપવા છે કે એમણે જાહેરમાં સ્વીકાર્યું હતું કે મહેસુલ વિભાગ અને ગૃહ વિભાગમાં ભયંકર ભ્રષ્ટાચાર થાય છે. આ વાત મુખ્યમંત્રીની જેમ નાયબ મુખ્યમંત્રીએ પણ સ્વીકારવી જોઈએ. પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન અંગેનો પ્રશ્ન ખૂબ ચર્ચાયો હતો. કોંગ્રેસના આદિવાસી વિસ્તારના ધારાસભ્યોએ ભાજપ સરકારને સણસણતા સવાલોથી ભીડાવી હતી અને જમીન સંપાદનમાં ખેડૂતોને આદિવાસીઓને વળતરમાં અન્યાય થતો હોવાના સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ નાયબ મુખ્યમંત્રી ગોળ-ગોળ જવાબો દ્વારા ભાજપ સરકારના વખાણ કરતા રહ્યા હતા. ધાનાણીએ સવાલો કરતા જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૩માં રાષ્ટ્રીય જમીન સંપાદન અધિનિયમ-ર૦૧૩ અન્વયે તત્કાલીન યુપીએ સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો હતો કે જયારે સરકાર કોઈ જમીન સંપાદન કરે ત્યારે ઓછામાં ઓછા ૭૦ ટકા લોકોની સંમતિ હોવી જરૂરી છે. જમીન સંપાદન કરવાની થાય તો ગ્રામ્ય કક્ષાએ બજાર ભાવના ચાર ગણા રૂપિયાનું વળતર ચૂકવવું અને શહેરમાં બજાર ભાવના બે ગણા ચૂકવવા. આ નિયમથી જમીન માલિકોને, ખેડૂતોને સ્વમાનથી સાચું અને બજાર ભાવના ચાર ગણા ભાવ મળી રહેતા હતા. પરંતુ ભાજપ સરકારે કેન્દ્રમાં શાસન સંભાળ્યું ત્યારે કેન્દ્રમાં ૩-૩ વખત અધ્યાદેશ લાવીને રાષ્ટ્રીય જમીન સંપાદન અધિનિયમ-ર૦૧૩ને પાંગળો શા માટે બનાવ્યો ? આ કોના હિત માટે કરવામાં આવ્યું છે ? ભાજપ સરકારે બજાર ભાવના બદલે સરકારે જંત્રીના ચાર ગણા ભાવ કરીને આદિવાસી-ગરીબ-નાના અને અને મધ્યમ કક્ષાના ખેડૂતોની જમીન છીનવી લેવાની પ્રવૃતિ કરી રહી છે, ૭૦ ટકા લોકો સહમત હોય તો જ જમીન સંપાદન થઈ શકે તે વાતનો પણ છેદ ઉડાવીને લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે.