ગાંધીનગર,તા.રર
રાજયમાં શિક્ષકો પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓ-સમસ્યાઓને લઈને શુક્રવારે શિક્ષકોએ વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમની પર પોલીસે કરેલા લાઠીચાર્જને સખત શબ્દોમાં વખોડીને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ શિક્ષકોની વ્યાજબી માંગણીઓને ટેકો આપ્યો હતો તેમજ જરૂર પડશે ત્યાં દરેક જગ્યાએ કોંગ્રેસ શિક્ષકોના સમર્થનમાં ટેકો આપવા તૈયાર હોવાનું ધાનાણીએ જણાવ્યું હતું. ઉપરાંત શિક્ષકોની માંગ નહી સ્વીકારાય તો સરકારને માઠા પરિણામ ભોગવવા પડશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
રાજ્યમાં શિક્ષકોએ પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓ-સમસ્યાઓ જેવી કે, સળંગ નોકરી ગણવા, ફીક્સ પગારને બદલે રેગ્યુલર નોકરીમાં સમાવવા સહિતની માંગણીઓ ન સંતોષાતા રાજ્ય સરકાર સામે શિક્ષક સંગઠનો દ્વારા આજે ગાંધીચિંધ્યા માર્ગે ધરણાંનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ હજારો શિક્ષક ભાઈ-બહેનો ગાંધીનગર વિધાનસભા સુધી ન પહોંચે તે માટે ગાંધીનગરની ચારે તરફ ૧૫-૨૦ કિ.મી. પહેલાં દરેક વાહનો ચેક કરી શિક્ષકો હોય તો પકડી લેવામાં આવતા હતા અને આંદોલન નિષ્ફળ જાય તેવા પ્રયત્નો કરવામાં આવતા હતા. આમ છતાં હજારો શિક્ષક ભાઈ-બહેનો સચિવાયલ સંકુલના ગેટ સુધી પહોંચવામાં સફળ થતાં, ભાજપ સરકારની સૂચનાથી શિક્ષક ભાઈ-બહેનો ઉપર પોલીસે લાઠી વરસાવવાની ચાલુ કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો શિક્ષક ભાઈ-બહેનોની વહારે પહોંચી ગયા હતા અને ભાજપની હીટલરશાહી સામે વાંધો લીધો હતો અને ધરણાં કર્યાં હતાંભ્‌ પરેશ ધાનાણીએ સચિવાલય સંકુલના ગેટ નં. ૬ સામે શિક્ષક ભાઈ-બહેનો અને મીડીયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, લાખો શિક્ષકો સહિત કર્મચારીઓની જે સમસ્યાઓ છે તેનો પડઘો રાજ્યમાં સત્તાની ધુરા સંભાળનાર ભાજપની આંધળી, બહેરી અને મુંગી સરકારના કાન સુધી પડે તેના માટે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ તરીકે મેં સમર્થન આપ્યું છે. ભૂતકાળમાં પણ સમાન કામ, સમાન વેતનની વાતનું કોંગ્રેસ પક્ષે સૈદ્ધાંતિક સમર્થન કર્યું હતું. ગામની ગલીઓમાં, ગુજરાત વિધાનસભામાં કે ન્યાયપાલિકાની અંદર જ્યાં-જ્યાં કોંગ્રેસ પક્ષે સમર્થન કરવાનું થાય, મદદ કરવાની થાય ત્યારે કોંગ્રેસ પક્ષ લાખો શોષિત કર્મચારીઓની વેદનાને ટેકો આપવા અડીખમ ઉભી રહી છે. ગુરુજનો આજે અહિંસાના માર્ગે પોતાના સંવિધાનિક અધિકારોથી ૧૯૯૭થી ૨૦૦૬ સુધી જે કર્મચારીઓ નોકરી કરતા હતા તેમની નોકરી સળંગ ગણવામાં આવે, સીસીસીની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે, દરેકને સમાન કામ, સમાન વેતનનો અધિકાર આપવામાં આવે, કરાર આધારિત નોકરીઓ, ફીક્સ પગારની નોકરીઓ સમાપ્ત કરવામાં આવે. આઉટસોર્સીંગથી મળતિયાઓને સરકારી વ્યવસ્થામાં ઘુસાડીને ભ્રષ્ટાચારના દરવાજા ભાજપ સરકારે સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓમાં ખોલ્યા છે ત્યારે આઉટસોર્સીંગની વ્યવસ્થા સમાપ્ત કરવામાં આવે. સાતમા પગારપંચની માંગણીઓ સહિત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જે માંગણીઓ કરી હતી તે માંગણીઓને સાંભળવાની સરકારે ધરાર ના પાડી અને પોલીસના દંડે શિક્ષકોને, માતાઓને, બહેનોને પીટવાનું કામ કર્યું, લાઠીચાર્જ કરવાનું કામ કર્યું છે.