અમદાવાદ, તા.૩
ગુજરાત સરકારે વર્ષ ર૦૧૩માં સૌની યોજનામાં ૧૧પ ડેમ રૂા.૧૦ હજાર કરોડના ખર્ચે ભરવાની જાહેરાત કરી હતી, પરંતુ વર્ષ ર૦૧૯ સુધીમાં માંડ ૧૦ જ ડેમ ભરાયા છે, તેમજ અત્યાર સુધીમાં રૂા.૧૩ હજાર કરોડ ખર્ચાઈ ચૂકયા છે, ત્યારે ૧૧પ ડેમ ભરવામાં કેટલો સમય લાગશે ? તેવો પ્રશ્ન વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉઠાવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ સૌની યોજના અંગેના પ્રશ્નમાં પેટા પ્રશ્ન ઉપસ્થિત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે બજેટ પ્રવચનમાં સરકારે જળસંપત્તિ વિભાગની રજૂઆતમાં ૧૦ જળાશયો, તળાવોમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ભરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું, જ્યારે આજે જળસંપત્તિ મંત્રીએ વધુ તળાવોમાં નર્મદાનું પાણી ભરવામાં આવ્યું તેમ જણાવ્યું, તો આ અંગે સાચી વિગતો શું છે ? તેનાથી ગૃહને અવગત કરવું જોઈએ. ર૦૧૩માં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌની યોજના અંતર્ગત નર્મદાના પૂરનું વહી જતું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ૧૧પ ડેમમાં ભરવાની જાહેરાત કરી હતી, પરંતુ કૂવામાં હોય તો અવેડામાં આવે તેમ આજે કૂવો જ ખાલી છે, ત્યારે ડેમમાં પાણી કયાંથી આવશે ? વર્ષ ર૦૦રથી ર૦૧રના નર્મદા અહેવાલો જોયા તો તેમાં છલતી સપાટીનું પાણી છે, તે જ પર્યાપ્ત નથી. આમ, છલતી સપાટીનું પાણી જ ન મળતું હોય તો સૌની યોજનાથી ૧૧પ ડેમ આ ભાજપ સરકાર કઈ રીતે ભરશે ? ધાનાણીએ જણાવ્યું હતું કે, સૌની યોજના હેઠળ ૧૦ હજાર કરોડના ખર્ચે ૧૧પ ડેમ ભરવાના હતા. આજે ૧૮ હજાર કરોડના ખર્ચ પૈકી ૧૩ હજાર કરોડનો ખર્ચ કરીને માત્ર ૧૦ જળાશયો જ ભરાયા છે. જળાશય દીઠ રૂા.૧૩૦૦ કરોડનો ખર્ચ થયો. આ ખર્ચની એવરેજથી ૧૧પ જળાશયો ભરવાનો ખર્ચ રૂા.૧,૪૯,પ૦૦ કરોડ થાય. આથી, ગુજરાતની જનતાના મનમાં કયાંક દ્વિધા છે કે, ર૦૧૩માં આ ૧૧પ ડેમ ભરવાની વાત થઈ હતી. આજે ર૦૧૯માં માત્ર ૧૦ ડેમ ભરાયા, તો ૧૧પ ડેમ ભરવામાં કેટલો સમય લાગશે ? તેમજ સૌની યોજનાને આખરી કરતા કુલ કેટલો ખર્ચ થશે ? આ અંગે સ્પષ્ટતા કરવા સરકારને જણાવ્યું હતું, તેમજ વધુ પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યા વિના જ ૧૦૦ કરોડ રૂપિયા ચૂકવી દીધા એ સરકારે પણ સ્વીકાર્યું છે.