(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૫
રાજ્યસભાની ગુજરાતની બે બેઠકો માટેની પેટાચૂંટણીએ રાજકીય માહોલ ગરમ થઈ જવા પામ્યો છે. આજે મતદાન દરમિયાન કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસવોટિંગ કરતા તે મુદ્દે બંને પક્ષોએ પોત-પોતાના જુદા-જુદા પ્રતિભાવો આપ્યા છે. જેમાં કોંગ્રેસ તરફથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, બે ઊભરતી પ્રતિભાવોને આથમવાનું પાપ ભાજપના શીરે જશે. ભાજપે બહુમતિના મુદ્દે ચૂંટણી પંચ પાસે ગેરબંધારણીય નિયમ બનાવ્યો છે. પ્રો-રેટા પ્રમાણે તો અમે એક બેઠક જીતી જાત.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ બહુમતીના બળે ચૂંટણીપંચ પાસે ગેરબંધારણીએ નિયમ બનાવીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધારાસભ્યોના મતને શૂન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો એનો કોંગ્રેસ પક્ષે નૈતિકતાના ધોરણે પડકાર જીલીને જવાબ આપ્યો છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે ન્યાયપાલીકામાં સત્યનો વિજય થશે. જો સત્તાનો દુરઉપયોગ ન થયો હોત તો રાજ્યસભાના ચૂંટાલા સંસદ આજે દિલ્હી તરફ પ્રયાણ કરત. કમનસિબે અધિકારી માટે આ લડાઇ લડ્યા છીએ, સંવિધાનને બચાવવા લડાઇ લડ્યા હતા. આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષનો વિજય થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્યો અને નેતાઓ ગળે કેસરી ફટકો બાંધે એટલે જાણે ભ્રષ્ટાચાર કરવાની પરવાનગી મળતી હોય એમ સરકારી તિજોરીને દિન દહાડે લૂંટી અને એ લૂંટના પૈસે નૈતિકતાને નેવે મુકી. જતનતાએ ચૂંટેલા ધારાસભ્યો ડરાવવા અને ધમકાવવાના ભૂતકાળમાં જે પ્રયાસો કર્યા હતા.સતત પ્રયાસ છતાં કોંગ્રેસ નિશાન ઉપર ચૂંટાયેલા ૭૧ ધારાસભ્યો પૈકી ૨૧ ધારાસભ્યો કોગ્રેસની વિચારધારા ઉપર વિશ્વાસ મુકીને કોંગ્રેસના ઉમેદવારો તરફી મતદાન કર્યું છે. એક અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસને સમર્થન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારોએ મત આપીને ભાજપના વારંવાર ભયને હરાવ્યો છે. આજે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પછાત વર્ગની ઊભરતી બે પ્રતિભાઓને કાયદાનો ભંગ કરવા માટે પ્રેર્યા અને પરિણામ સ્વરૂપે કોંગ્રેસ પક્ષના નિશાન ઉપરથી ચૂંટાયેલા બે ધારાસભ્યોએ રાજીનામા આપવા પડ્યા. પક્ષના આદેશ પ્રમાણે હાજર રહેવું નિતિ નિયમ પ્રમાણે મતદાન કરવું એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ બંધાયેલા છે. બે ઉભરતી પ્રતિભાઓને આથમવાનું પાપ જો કોઇના શીરે જશે તો એ ભારતીય જનતા પાર્ટીના શીરે જશે.