(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૯
વિધાનસભાના બજેટ સત્રમાં આજે બજેટ પરની સામાન્ય ચર્ચામાં વિરોધપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ બજેટમાં દર્શાવેલ રાજ્યનું જાહેર દેવું સાચું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના રિપોર્ટમાં દર્શાવેલ દેવું સાચું ? તેવો મુદ્દો ઉઠાવ્યો હતો. બંને વચ્ચે નાનો-અમથો નહીં પરંતુ રૂા. પ૦ હજાર કરોડનો તફાવત જોવા મળે છે. સરકાર મુજબ ર૦૧૭ માર્ચ સુધીનું રૂા.૧.૯૯ લાખ કરોડનું જાહેર દેવું છે તો આરબીઆઈ મુજબ રૂા.ર.૪૮ લાખ કરોડનું છે. તો આટલો બધો તફાવત શા માટે ? એટલું જ નહીં આરબીઆઈએ ર૦૧૮ માર્ચમાં જાહેર દેવું રૂા.૩.૧૮ લાખ કરોડ હોવાનું નોંધ્યું છે તે ગણતરીએ માર્ચ-ર૦૧૯માં રાજ્યનું જાહેર દેવું રૂા.૩.૭૦ લાખ કરોડથી વધુ થાય તેમ જણાય છે. વિપક્ષના નેતાએ આ સાથે પેટ્રોલ-ડીઝલ ભાવવધારો, મગફળીકાંડ, કથળતું શિક્ષણ, ખેતી ઉત્પાદન પરનો વેરો તથા ખેડૂતોને સ્પર્શતા કૃષિ સંલગ્ન ચીજ-વસ્તુ પરના વેરા સહિતના મુદ્દાઓ ઉઠાવી સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો.
બજેટ પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરોડો રૂપિયાના બજેટના નાણાનો યોગ્ય જગ્યા વપરાશ ના થતાં લોકોની સમસ્યાઓનું નિરાકરણ થયું નથી તેવા આક્ષેપો કરતા વધુમાં કહ્યું હતું કે, રાજ્યના જાહેર દેવા બાબતે બજેટમાં નાણામંત્રીએ રજૂ કરેલ વિગત અને આરબીઆઈના દરેક રાજ્યોના રિપોર્ટમાં દર્શાવાયેલ વિગતમાં ભિન્નતા કેમ ? સરકારના અને આરબીઆઈના દેવાના આંકડામાં રૂા. પ૦ હજાર કરોડ જેટલો તફાવત શા માટે ?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા ‘વન નેશન વન ટેક્સ’ની વાત કરવામાં આવે છે. તો તેની શરૂઆત ગુજરાતથી જ કરી પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવી વેટ વસુલવાનું બંધ કરવું જોઈએ. ૮૪-૮પ રૂપિયે લીટર પેટ્રોલનો ભાર વહન કરવા સામાન્ય માણસ સક્ષમ નથી. મોંઘવારીના મારથી એનું બજેટ ખોરવાઈ ગયું છે એને બે ટાઈમ ચુલા સળગશે કે કેમ ? એની ચિંતા છે.
ધાનાણીએ મગફળી કાંડ મુદ્દે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઘોડીએ હીંચકતું બાળક પણ જોઈ રહ્યું છે કે, ૪૦૦૦ કરોડ રૂપિયાના મગફળીકાંડમાં સરકારી ગોડાઉનોમાં કોથળા ખોલીએ તો મગફળીના બદલે માટી, પથ્થર અને કાંકરા નીકળે છે. તો કયા પુરાવાની તમે રાહ જુઓ છો ? કેમ ગુનેગારોને જેલમાં પૂરતા નથી ? રાજ્યમાં ભાજપના શાસનમાં મગફળીકાંડ, ખાતરકાંડ, તુવેરકાંડ જેવા કૌભાંડોની હારમાળા છે.
તેમણે ધારાસભ્ય દ્વારા મહિલાને મારવાની બાબતે પ્રહારો કરતાં કહ્યું કે, રાજ્યમાં બેટી બચાવો, બેટી પઢાઓ સાથે બેટીને પીટાવવાની પણ ખરી ? પાણી માગે એટલે બેટીને ભાજપના નિશાન ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય બેરેહમીથી પીટી અને બળેવ ન હોય એ દિવસે રાખડી પણ બંધાવી દીધી. રાજ્યમાં આજે શિક્ષણનું સ્તર કથળ્યું છે. કરોડો રૂપિયા શિક્ષણ પાછળ બજેટમાં ફાળવ્યા તો પણ ર૦૦રની સરખામણીએ ર૦૧૯માં સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ દિન-પ્રતિદિન બંધ થતી જાય છે. વર્ષ ર૦૧૧થી ર૦૧૭ સુધીમાં કુલ ૧૩,પ૦૦ કરતાં વધુ સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થઈ છે. આમ રાજ્યના લોકોના પરસેવાની કમાણીને ફી માફિયાઓના હવાલે શા માટે કરવામાં આવે છે ? દિન-પ્રતિદિન સરકારી શાળાઓ બંધ થતાં વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાં ભણવા મજબૂર થવું પડે છે. સુરતની ખાનગી ટ્યુશનની દુર્ઘટનામાં રર બાળકોને જીવ ગુમાવવા પડ્યા. ત્યારબાદ તેઓના પરિવારોને આજદિન સુધી ન્યાય પણ ન મળે ? કોઈપણ ગુનેગાર હોય તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.
ર૦૦૮માં ગુજરાતમાં ખેતીના ઉત્પાદન પર વેટની શરૂઆત થઈ. ખેડૂતો પાસેથી જેટલો કરવેરો ઉઘરાવવામાં આવે છે એટલું પણ બજેટ સરકાર દ્વારા કૃષિ વિભાગને ફાળવ્યું નથી. ખાતર-બિયારણ-જંતુનાશક દવા ઉપર વેરાનો વધારો, ઓજારો ઉપર વેરાનો વધારો, મોંઘી વીજળી, મોંઘા સિંચાઈ દરથી આજે ગુજરાતના તાતની કમાણી લૂંટાઈ રહી છે. ઉર્જા ઉત્પાદન માટે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું પરંતુ સરકારી વીજ ઉત્પાદન વધવાને બદલે ઘટ્યું છે તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું.