ગરીબો માટેનો રાશન કે કેરોસીનનો જથ્થો ઈલેકટ્રોનિક થમ્બ પ્રિન્ટથી કાળાબજારીઆઓ ઉપાડી બારોબાર ઊંચા ભાવે બજારમાં વેચી મારતા હોવાનો આક્ષેપ કરતાં  વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, એક લાખ કરતાં વધુ લોકોના નામે આ રીતે જથ્થો ઉપડી જાય છે. જેમાં મોરારીબાપુ, સુરતના સાંસદ દર્શના જરદોશ સહિતનાઓના નામે પણ ઈલેકટ્રોનિક થમ્બ પ્રિન્ટથી બારોબર રાશન અને કેરોસીનનો જથ્થો ઉપડી જાય છે. આવા ગરીબના મોંમાંથી કોળિયા ઝૂંટવનારા માફિયાઓને જેર કરવાની જવાબદારી સરકારની છે, પરંતુ ભાજપ સરકાર તેમને જેર કરવાને બદલે વિરોધપક્ષ ઉપર દબાણ શા માટે ઊભું કરવા માંગે છે ? કોંગ્રેસે જ્યારે સત્યક વાત રજૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભાજપ સરકાર દ્વારા નાયબ મુખ્યમંત્રી મારફત કોંગ્રેસને હિન્દુ વિરોધી ચીતરીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યોં હતો જેને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ તેમ ધાનાણીએ વધુમાં ઉમેર્યું હતું. વિપક્ષ નેતાએ વધુમાં કહ્યું કે, ભાજપે પુરાવા હાજર કરવાનું કહેતા અમે પુરાવા ગ્રહ સમક્ષ રજૂ કર્યા હતા. મોરારીબાપુનો રેશનકાર્ડ નં.૧૧૪૦૧૧૦૦૮૧૬૭૩૮૮ છે. આ સમગ્ર બાબતે મેં સરકારનું લેખિતમાં ધ્યાન દોરેલ. મારા ભાઈ શરદ ધાનાણીના નામે પણ જથ્થો ઉપાડવામાં આવેલ અને તે બાબતે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ. રાજ્યમાં અનાજના માફીયાઓ દ્વારા આવું મસમોટું કૌભાંડ સરકારની રહેમનજર હેઠળ ચાલતું હોવા છતાં સરકાર દ્વારા આંખ મીચાંમણાં કરવામાં આવે છે.