(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૬
વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના મત વિસ્તાર કે રાજ્યના હિતમાં ચર્ચાઓ, માગણીઓ કે અસરકારક રજૂઆતો કરતા હોય છે. આ ચર્ચા કે રજૂઆતો રાજ્યની પ્રજા અને ખાસ કરીને જે તે મત વિસ્તારની પ્રજા નિહાળી શકે તે માટે ગુજરાતમાં વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષને પત્ર પાઠવી માગ કરી છે. પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પ્રશ્ન કરતા કહ્યું કે જ્યારે લોકસભા અને રાજ્યસભાનું લાઇવ પ્રસારણ થઇ શક્તું હોય તો ગુજરાતમાં કેમ ના થઇ શકે ? જો વિધાનસભાનું જીવંત પ્રસારણ થાય તો ધારાસભ્ય પ્રજાના પ્રશ્નોને વધુ ગંભીરતાથી રજૂ કરી શકશે. આ સાથે જ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં વિધાનસભાની કાર્યવાહી એડિટ કરીને દર્શાવવામાં આવે છે. અનુકૂળતા મુજબ ટીવી-મીડિયાના પત્રકારોને કેમેરા સાથે સંકુલમાં પ્રવેશ આપવામાં આવે છે પરંતુ વિધાનસભાની કાર્યવાહી જીવંત બતાવી શકે તે માટે પ્રવેશ આપવામાં આવતો નથી. અગાઉ ગુજરાત વિધાનસભામાં સરકારી અને ખાનગી ટીવી ચેનલ અને અખબારોના ફોટોગ્રાફરોને કેમેરા સાથે પ્રવેશ આપવામાં આવતો હતો. અન્ય રાજ્યોમાં વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે તેવી જ રીતે ગુજરાતમાં પણ થવું જોઈએ જેથી પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ વિધાનસભામાં શું ચર્ચા કરે છે તમામ નાગરિકો જોઈ શકે. સાથે એમ પણ કહ્યું કે, જીવંત પ્રસારણ કરવાથી નાગરિકોના પ્રશ્નો પ્રત્યે વધુ ગંભીર બનશે અને વિધાનસભામાં ચર્ચાનું સ્તર ઉચ્ચ કક્ષાનું થશે. તાજેતરના સુપ્રીમ કોર્ટના ટકોરનો ઉલ્લેખ કરી ધાનાણીએ જણાવ્યું હતું કે, ધારાસભ્યનું સંખ્યાબળ ગણવાનું હોય ત્યારે જીવંત પ્રસારણ કરવાની સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી છે.