(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૬
રાજયની વિવિધ સરકારી હોસ્પિટલોમાં નવજાત શીશુઓના મોતની ઘટના બહાર આવી રહી છે ત્યારે કોંગ્રેસે આ દુઃખદ ઘટના અંગે રાજય સરકાર સત્ય સ્વીકારી પગલાં ભરે તેવી માગ કરી હતી. જયારે આગામી વિધાનસભા સત્રમાં મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના સંપૂર્ણ દેવામાફી, મહિલા સુરક્ષા, સો ટકા પાક વળતર, નવજાત શીશુઓના મોત, ૬ હજાર સરકારી પ્રાથમિક શાળા બંધ કરવા સહિતના પ્રશ્ને ચર્ચા માટે વિશેષ વ્યવસ્થા કરવા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ૮ જાન્યુઆરીએ રાજયપાલને રજૂઆત કરવા જશે. રાજ્યમાં નવજાત શીશુના મોત અંગે આજ રોજ પત્રકાર પરિષદને સંબોધન કરતાં વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતમાં ભારતનું ભવિષ્ય ‘માં ની કૂખ’ માં કરમાઈ રહ્યું છે, ભાજપ સરકાર ઉત્સવો અને તાયફાઓ પાછળ કરોડોનો ખર્ચ કરે છે જે ગુજરાતના નાગરિકોના આરોગ્ય માટે વાપરવા જોઈએ, છેલ્લા ૨૫ વર્ષમાં ભાજપ સરકાર આરોગ્ય સેવામાં વેપારની નીતિ સાથે આગળ વધી રહી છે. ગુજરાતમાં સરકારી દવાખાનાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, ભાજપ સરકાર નિષ્ફળતા છુપાવવા માટે બાજુના રાજ્ય પર દોષારોપણ કરવાને બદલે કથળતી સરકારી આરોગ્ય સેવાઓની જવાબદારી સ્વીકારવી જોઈએ. ગુજરાતનો એકપણ શીશુ ઘોડિયામાં મૃત્યુ પામે તે દરેક ગુજરાતી માટે ખુબ જ દુઃખદ બાબત છે. ભાજપ સરકારે ખાનગી હોસ્પિટલો અને ઘરે જન્મ લેતા નવજાત શીશુઓના મૃત્યુના આંકડા છુપાવ્યા છે. ભાજપ સરકાર આરોગ્યલક્ષી સેવાઓ નહીં સુધારે તો હજી પણ આંકડાઓમાં વધારો જોવા મળશે.ગુજરાતમાં ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના પરીવારોનું આરોગ્ય સુધારવાને બદલે રાજ્યના ઉદ્યોગગૃહો અને ઉદ્યોગપતિઓનું સ્વાસ્થ સુધર્યું છે. ગુજરાત રાજ્યમાં દર વર્ષે ૧૨ લાખ બાળકો જન્મે છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પોતે સ્વિકારે છે કે, હાલમાં ૩૦ ટકા બાળકો બાળ મૃત્યુ પામે છે જેનો આંકડો ૩૬૦૦૦ જેટલો થાય છે. તેમ છતાં ભાજપની અસંવેદનશીલ સરકાર ભ્રષ્ટાચારમાં રાચવાને પોતાનો શિષ્ટાચાર માને છે.
એશીયાની સૌથી મોટી સીવીલ હોસ્પિટલ સહીત આઠ મહાનગરોમાં આરોગ્ય સેવા કથળી છે. ખાનગી હોસ્પિટલો મનફાવે તે રીતે દર્દીઓના પરિવાર પાસેથી નાણાં વસુલે છે. ગુજરાતના મુખ્યમંત્રીના વિસ્તાર રાજકોટમાં નવજાત શીશુઓનો મૃત્યુઆંક ૨૦૦ થી વધે એ જ બતાવે છે કે આ ભાજપ સરકારના શાસનમાં આરોગ્ય તંત્રમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. આરોગ્ય વિભાગમાં દવા, સાધનો અને બાંધકામમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે.