(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૭
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અતિવૃષ્ટિથી લોકોના મનમાલને બચાવવા સરકાર દ્વારા કાગળ ઉપર સચોટ આયોજનો થાય છે. પરંતુ આભ ફાટે, આફત આવે અને લોકોને જયારે જરૂરિયાત ઉભી થાય ત્યારે જ આવી મદદ પહોંચાડવામાં કયાંકને કયાંક સરકારના વિલંબને કારણે અસંખ્ય ગુજરાતીઓને જાનમાલનું નુકસાન ભોગવવું પડે છે.
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના મહત્તમ ખેતીલાયક વિસ્તારમાં સિંચાઈનું પાણી ખેતર સુધી પહોંચાડવામાં નિષ્ફળ નીવડેલ સરકારના કારણે આકાશી રોજી ઉપર નબતો ખેડૂત આગોતરૂ વાવેતર કરી શકયો નહીં. ઋતુચક્રના નિયમ મુજબ દરેક ચોમાસો ખુશીની સાથે કયારેક વણમાંગી આફત પણ આવતી રહી છે અને કુદરતી આપત્તિઓ સામે સામાન્ય માણસના જાનમાલને રક્ષણ પુરૂં પાડવા માટે સરકાર દ્વારા કાગળ ઉપર સચોટ આયોજનો થાય છે પરંતુ કામગીરીમાં નિષ્ફળ નીવડે છે. છેલ્લા ત્રણ દિવસના મતવિસ્તાર અમરેલીના પ્રવાસ દરમ્યાન જાણવા મળ્યું કે, અમરેલી જિલ્લાના વડામથકથી ૧પ કિ.મી. દુર બાબાપુર ગામના પાદરમાં સાંકલી નદીના પુલ ઉપર અચાનક આવેલ પુરને કારણે કિંમતી માનવ જિંદગી ફસાયેલ હતી. સ્થાનિક વહીવટીતંત્રને તે અંગે જાણ કર્યા પછી પણ બે-અઢી કલાકે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી શકી પરંતુ કુશળતા આયોજનના અભાવ કે શિથિલતાના કારણે ટીમની હાજરીમાં સામાન્ય વ્યકિતએ પુરના પ્રવાહમાં તણાઈને જીવ ગુમાવવો પડયો. આવા જ બીજા બનાવમાં કુંકાવાવ વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે વોકળા પરથી મોટર સાયકલ લઈ પસાર થતો યુવાન તણાઈ ગયા બાદ તંત્રને જાણ કર્યા છતાં કોઈ કામગીરી હાથ ન ધરાતા બીજા દિવસે યુવાનની લાશ મળી આવી હતી.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગઈકાલે મુશળધાર વરસાદને કારણે ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડા અને કોડીનાર તાલુકાના અમુક ગામોમાં ૮-૧૦ ફુટ સુધી પાણી પહોંચે તેવી સ્થિતિમાં કોંગ્રેસ પક્ષના સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈવાળા અને તેમના કાર્યકર્તાઓની ટીમે ખૂબ પ્રયાસ કરવા છતાં અસરગ્રસ્તો સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડયા હતા. સ્થાનિક કલેકટર સહિતના વહીવટીતંત્રને વારંવાર રજૂઆત કરી અને એરલીફટીંગની માગણી કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ધારાસભ્યએ મારો સંપર્ક કરતા મે વ્યકિતગત રીતે કલેકટર ગીર-સોમનાથને ફોન કરી પુરમાં ફસાયેલા લોકોને એરલીફટીંગ સિવાય કોઈ વિરૂધ્ધ નથી ત્યારે બચાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ કરી હતી. જિલ્લા વહીવટી વડાએ એરલીફટીંગ માટેની કોઈ દરખાસ્ત નીચેથી અમારી પાસે નથી આવી તેવી વાત સાંભળવા મળી. સરકારની એરલીફટીંગની સુવિધા લોકો સુધી પહોંચે તે પહેલા કુદરતે માણસના જાનમાલની રક્ષા માટે થઈને આબરૂ રાખી અને વરસાદ ધીમો પડયો અને ક્રમશઃ પાણીનું લેવલ ઘટતું જતાં ઘણા કિંમતી જીવોનો બચાવ શકય બન્યો. રાજયમાં પુર લેવલનું માર્કિંગ કરવાની એક વ્યવસ્થા છે. ત્યારે મોટી નદીઓના પ્રવાહથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહીત રાજયમાં આકસ્મિક પુરનો વારંવાર જે વિસ્તારોએ સામનો કરવો પડે છે તેને પુરની વ્યવસ્થામાંથી ઉગારવા માટે લાંબાગાળાનું કાયમી આયોજન કરવું જોઈએ. આ અંગે સરકાર સ્થાનિક વ્યવસ્થાતંત્ર અને લોકો સાથે પરામર્શમાં રહી તેનો કાયમી ઉકેલ લાવવું જરૂરી છે.