અમદાવાદ,તા.૧૧
ગુજરાતની ભાજપ સરકાર લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે ચૂંટાયેલા પદાધિકારીને મળેલ અધિકારને અવરોધવા માટે ગુજરાત વિધાનસભાના સત્રના દિવસો ઘટાડવા સતત પ્રયત્નશીલ રહી છે. ભાજપના રાજમાં વિધાનસભાના સત્ર અને તેના દિવસો સતત ઘટી રહ્યા છે. આગામી ૧૮ અને ૧૯ સપ્ટેમ્બર એમ બે દિવસ માટે માત્ર સંવિધાનિક ફોરમાલિટી પૂરી કરવા વિધાનસભાનું ટૂંકુ સત્ર બોલાવવામાં આવ્યું છે એમ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે.
આજરોજ પત્રકારોને સંબોધતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં લોકશાહી મરી પરવારી છે. કાર્યપાલિકા ઉપર સરકારની લગામ નથી. લોકોની વધતી સમસ્યાઓ જયારે આંદોલનના અવાજ તરીકે ઉભરે ત્યારે પોલીસ તંત્રનો સતત દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સમસ્યાઓને વાચા આપવા માટે વિધાનપાલિકા કે જે લોકશાહીનું મંદિર છે. પરંતુ કમનસીબે ભાજપના રાજમાં વિધાનસભાના સત્ર અને તેના દિવસો સતત ઘટી રહ્યા છે. અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખી ગુજરાતના વિવિધ વર્ગની સમસ્યાઓને વાયા આપવા માટે અમે વિશેષ સત્રની માગણી કરી હતી. જેને આ તાનાશાહી સરકારે બહુમતીના જોરે અહંકારના મદમાં ફગાવી દીધી. હવે સંવિધાનિક જવાબદારી પુર્ણ કરવા માટે જયારે સત્ર બોલાવવું જરૂરી હતું ત્યારે માત્ર બે દિવસનું સત્ર બોલાવીને ભાજપ લોકશાહીની મશ્કરી કરવાનો પ્રયાસ કરી રહી છે. વિધાનસભા પાસે સરકારી કામ એ સરકારનો અધિકાર છે પરંતુ બિનસરકારી કામકાજ એ વિધાનસભા સત્રના નકકી કરેલ દિવસો ઉપર નિર્ભર હોય છે તારાંકિત પ્રશ્નોતરી ખાનગી મેમ્બર બિલ અને વિવિધ વિધાનસભાના નિયમો તળે પ્રતિદિન લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે ચૂંટાયેલ પદાધિકારીને અધિકાર છે. લોકોની સમસ્યાઓ અને અપેક્ષાઓને સરકાર સુધી પહોંચાડવા માટે એના પર તંદુરસ્ત ચર્ચાઓ થાય તે માટે વિધાનસભા સત્રના દિવસો કાયમી ધોરણે વધારવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની હંમેશા લાગણી અને માગણી રહી છે.