અમરેલી, તા.૩
અમરેલી લોકસભા સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારતા આજે તેમણે તેમના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી ભાજપ ઉપર આકરા પ્રહારો સાથે જણાવ્યું હતું કે, ભાજપ વીતેલા ૫ વર્ષમાં તમામ મોરચે નિષ્ફળ રહી છે અને દેશમાં મહિલાઓ ઉપર મોંઘવારીનો માર નાખેલ હતો તેમજ યુવાનોને બેરોજગારી અને ખેડૂતોને દેવાના બોજ માથે નાખી અર્થ તંત્રને ભાંગીને ભૂકો કરી નાખેલ છે તમામ વેપાર, રોજગાર તૂટતાં જાય છે જેથી સમસ્યાના સમાધાન માટે સતા પરિવર્તન જરૂરી છે. વધુમાં પરેશ ધાનાણીએ જાણવાયું હતું કે, રાહુલ ગાંધીની આગેવાનીમાં લોકોની સમસ્યાને સાંભળનારી અને સમસ્યાને ઉકેલનારી બંને તેવા દ્રઢ વિશ્વાસ સાથે આગળ વધવાની વાત જણાવી હતી.
સવારે ગજેરાપરા પટેલ વાડી ખાતે કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં જનઆંદોલન યોજાયુ હતું અને બાદમાં જૂની માર્કેટયાર્ડ ખાતે કથાનો કાર્યક્રમ રાખી ઉમેદવારી ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધવી હતી. કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી ફાઇનલ થતા તેમના ઉમેદવારીથી સમગ્ર સંસદીય વિસ્તારમાં અને આગેવાનોમાં ઉત્સાનો માહોલ છવાયેલ હતો અને ભાજપના ઉમેદવાર કાછડિયાને ખરખરીની ટક્કર આપી શકે તેવા જાયન્ટ કિલર તરીકે જાણીતા પરેશભાઈ ધાનાણીનું નામ આવતા જ ભાજપમાં સોપો પડી ગયેલ છે, અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પરેશ ધાનાણીએ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, તેમજ દિલીપ સંઘાણી અને બાવકુ ઉંધાડ જેવા ભાજપના દિગ્જ્જોને વિધાનસભા ચૂંટણીઓમાં પરાજય આપેલ હતો હવે ભાજપના કાછડિયા અને કોંગ્રેસના ધાનાણીની ટક્કરમાં કોણ વિજેતા બને છે તે આગામી ૨૩મીએ મતદારો નક્કી કરી દેશે.