(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ સરકાર પ્રજાને આપેલા વચનો પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સદંતર નિષ્ફળ રહી છે. પ્રજાના માનસમાં લોકશાહીને બદલે સરમુખત્યારશાહી હોય તેવું વાતાવરણ લાગી રહ્યું છે. રાજ્યમાં ગરીબો, ગામડાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, દલિતો, સહિત વિવિધ સમાજ અને વર્ગની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. આથી વિવિધ ૧ર મુદ્દાઓ અને ચર્ચા કરવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજયરૂપાણીને પત્ર લખી માગણી કરી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે લખેલા આ પત્રમાં જણાવ્યું છે કે, પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર બહેન-દીકરીઓ પર પોલીસ દ્વારા થયેલ અમાનુષી અત્યાચાર અંગે જવાબદારો સામે યોગ્ય પગલાં ભરવા અને આંદોલનકારીઓ ઉપરના દેશદ્રોહ તથા અન્ય ખોટા પોલીસ કેસ પરત ખેંચવાની જાહેરાત બાબતે હજુ સુધી કોઈ નિર્ણય થયેલ નથી. ચૂંટણી અગાઉ ફી નિર્ધારણ કાયદાની જાહેરાત કરાયા બાદ ફી ઘટાડવાના વાયદાનો વચનભંગ કરેલ છે. જેમાં સરકારની નિષ્ક્રિયતાના કારણે ખાનગી શાળાઓમાં શિક્ષણ માફીયાઓ દ્વારા ફી નિર્ધારણ કાયદાના થઈ રહેલ વસ્ત્રાહરણ બાબતની ચર્ચા કરવી જોઈએ. નર્મદા ડેમમાં વર્ષ-૨૦૧૬ની સરખામણીમાં વર્ષ-૨૦૧૭માં વધુ પાણી ભરાયેલ હોવા છતાં ચુંટણી પહેલા સાબરમતી નદીમાં સી-પ્લેન ઉડાડવા તેમજ આજીમાં દિવડાઓ પ્રગટાવવા નર્મદાના પાણીનો દુર્વ્યય કરીને ભાજપે સત્તામાં આવ્યા બાદ થોડા જ દિવસમાં ખેડુતોને સિંચાઈ માટે નર્મદાના પાણીથી વંચિત રાખવા સાથે હજારો ગામડાઓની પીવાના પાણીની કાયમી સમસ્યા અંગે ચર્ચા કરવી જરૂરી છે. ખેડૂતોને કૃષિ ઉપજના પોષણક્ષમ ભાવ નહીં મળવા સાથે પાકવીમાનું ઊંચા દરનું પ્રિમિયમ ખેડૂતો પાસે ફરજિયાત ભરાવવાની જોહુકમી પછી પણ પાકવીમાની ચૂકવણીમાં કરેલી અનિયમિતતા તથા તમામ દેવાદાર ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા બાબતની ચર્ચા કરવા સત્વરે સત્ર બોલાવવું જોઈએ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના મુખ્ય બંધનું કામ પૂર્ણ થયું હોવા છતાં હજારો કિ.મી.ના અધુરા કેનાલ નેટવર્કના કારણે આજે પણ ૧૧.૬૪ લાખ હેકટર ખેતીની જમીન સિંચાઈના લાભથી વંચિત રાખીને ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. રાજકીય રોટલા શેકવા માટે ટેકાના ભાવે મગફળી ખરીદીના સરકારી કાર્યક્રમમાં મળતીયાઓને લાભ કરાવીને ચુંટણી ફંડ એકઠું કરવા માટી-ઢેફા સહિતની નબળી ગુણવત્તાવાળી મગફળી ખરીદવામાં આવી છે. જેમાં ભાડે રાખેલા ગોદામો પુરાવાઓનો નાશ કરવા ઈરાદાપૂર્વક સળગાવી,આવી ગુનાહિત બેદરકારીમાં મોટા માથાઓને બચાવવા માટે તપાસમાં ઢીલાશ અંગે ચર્ચા કરવી જોઈએ. એજ રીતે નોટબંધી દરમ્યાન હજારો કરોડના કાળા ધનનું બીટકોઈનમાં રોકાણ કરનારા મોટા માથાઓને બચાવવાના બદઇરાદા અંગે પણ ચર્ચા કરવા માટે આ સત્ર બોલાવવું જોઈએ. રાજ્યમાં દિન-પ્રતિદિન દલિત સમાજ પર થતા અત્યાચારો સામે સરકારની ઘોર ઉદાસીનતા, નોટબંધી તેમજ જીએસટીના અમલમાં જડતાભર્યા તઘલખી નિર્ણયોના કારણે ઉદભવેલી આર્થિક મંદી, બેરોજગાર યુવાનોને સરકારી નોકરી- રોજગાર આપવામાં નિષ્ફળ નીવડેલી સરકારી નીતિઓ, રાજ્યમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના પ્રશ્નો અંગે પ્રજાના પ્રતિનિધિઓ ચર્ચા કરવા તૈયાર છે. પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચેલા ભાવને કારણે વધી રહેલ મોંઘવારીને ડામવામાં સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવા તેમજ પેટ્રોલિયમ પેદાશોનો જીએસટીમાં સમાવેશ કરવા, નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવા, અમદાવાદ-ગાંધીનગર મહાનગરોને મેટ્રો ટ્રેનની સુવિધા, ધોલેરા સરમાં ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક સહિત અનેક મુદ્દે ગુજરાતને કેન્દ્ર સરકારે કરેલ અન્યાય અંગે ચર્ચા કરવી જરૂરી છે.