અમદાવાદ, તા.૧૬
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ પરેશ ગજેરા તા.ર૦ જુલાઈએ વડાપ્રધાન મોદીની હાજરીમાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ વેગવંતી બની હતી ત્યારે પરેશ ગજેરાએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે તેઓએ હાલ કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. ભાજપમાં જોડાવાની વાતો માત્ર અફવા છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદેથી શનિવારે પરેશ ગજેરાએ પોતાનું રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ પરેશ ગજેરા આગામી ૨૦ તારીખે પ્રધાનમંત્રીની હાજરીમાં જ ભાજપમાં જોડાનાર હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ આ અંગે પરેશ ગજેરાએ કહ્યું હતું કે, હાલ જે વાતો ફેલાઈ રહી છે તે માત્ર અફવા છે. મે ભાજપ કે અન્ય કોઈપણ પક્ષમાં જોડાવાનો કોઈ નિર્ણય કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ કુંવરજી સહિતનાઓએ પણ નનૈયા ભણ્યા બાદ પણ ભાજપનો ભગવો પહેરી ચુક્યા છે. ત્યારે પરેશ ગજેરાના પ્રકરણમાં શું થાય છે તે જોવું રહ્યું.ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં જ આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત કુંવરજી બાવળિયાને પોતાની પડખે લઇ કોળી મતોને નિશાન બનાવ્યા છે. બાદમાં શનિવારે જ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ ભાજપનો ભગવો ધારણ કર્યો છે. જેમાં ક્ષત્રિય મતોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ છે. ત્યારે સૌથી મોટી એવી પાટીદાર વોટ બેંક માટે ભાજપ પરેશ ગજેરાને કોઇ સારી ઓફર આપે અને તે પણ ભાજપમાં જોડાય તો નવાઈ નહીં.