(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ઓગસ્ટ ૨૦૧૭માં સરકારી સંચાલિત હોસ્પિટલમાં એકલા હાથે અનેક બાળકોના જીવ બચાવનારા ડૉ. કફીલ ખાનની બોલિવૂડના અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલે જાહેરમાં માફી માગી છે. ટિ્‌વટર પર પરેશ રાવલે કહ્યું કે, તેમની માફી માગવામાં કોઇ શરમ આવતી નથી. ભાજપના પૂર્વ સાંસદ રાવલે લખ્યું કે, ‘માફી માગવામાં કોઇ શરમ આવવી જોઇએ નહીં કોઇ ખોટું પણ હોઇ શકે, હું ડૉ. કફીલ ખાનની માફી માગું છું.’
વર્ષ ૨૦૧૭માં ગોરખપુરની બીઆરડી કોલેડ અને હોસ્પિટલમાં ઓક્સિજનની કમીને કારણે અનેક બાળકો જીવ ગુમાવીરહ્યા હતા ત્યારે પોતાના ખર્ચે ઓક્સિજનના બાટલા મગાવનારા ડૉ. કફીલ ખાન તે સમયે હીરો બની ગયા હતા. જોકે, બાદમાં યોગી આદિત્યનાથના અંકુશમાં રહેલી પોલીસે બાદમાં તેમની ધરપકડ કરી હતી અને નવ મહિના સુધી તેમને જેલમાં રાખ્યા હતા. ગયા અઠવાડિયે કફીલે ખુલાસોકર્યો હતો કે વિભાગીય તપાસથી તેમની સામેના તમામ આરોપો ખોટા પુરવાર થયા. ત્યારથી અત્યાર સુધી કફીલની મજાક કરનારા પત્રકારો સહિતના લોકો હવે તેમની માફી માગી રહ્યા છે. પરેશ રાવલે ૨૦૧૭માં સોશિયલ મીડિયા પર ખાન વિરૂદ્ધ વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી જેમાં તેમને રેપિસ્ટ તરીકે દર્શાવાયા હતા. તેમણે લખ્યું કે, ‘‘હા આંખોમાનો હીરો હંમેશા ઉધઇના ટોળામાં સક્રીય છે’’