(એજન્સી) મુંબઈ, તા.ર૦
જાણીતા અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ બનારસ હિન્દુ યુનિ.ના મુસ્લિમ સંસ્કૃત પ્રોફેસરના સમર્થનમાં આવ્યા છે. એમના ધર્મને લઈ એમની સામે વિરોધો કરાઈ રહ્યા છે. પરેશ રાવલે પ્રદર્શનને ‘મૂર્ખામી ભર્યું’ કહી તરત પ્રદર્શન બંધ કરવા જણાવ્યું. એમણે લખ્યું હતું કે, સંસ્કૃતના પ્રોફેસર ફિરોઝખાનના વિરોધથી મને આંચકો અનુભવાયો. પરેશ રાવલે લખ્યું ભાષા સાથે ધર્મનો શું સંબંધ છે ? વધુમાં પ્રસન્નતાની વાત એ છે કે, એમણે સંસ્કૃતમાં માસ્ટર અને પીએચડી કરી છે, મહેરબાની કરી આ મૂર્ખામી બંધ કરો. એમણે બીજા ટ્‌વીટમાં લખ્યું કે, જો આ તર્કને માનવામાં આવે તો મહાન ગાયક મોહમ્મદ રફીને ભજન ગાવાની પરવાનગી પણ નહીં અપાઈ હોત અને નૌશાદને ભજનો માટે સંગીત રચવાથી પણ દૂર રખાયો હોત. બનારસ હિન્દુ યુનિ.ના વિદ્યાર્થીઓનો એક ગ્રુપ સંસ્કૃતના પ્રોફેસર ફિરોઝખાનનો વિરોધ ફકત મુસ્લિમ હોવાના લીધે કરી રહ્યો છે. યુનિ.ના સંચાલકોએ ફિરોઝખાનની ભલામણ કરતાં કહ્યું કે, એમની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પછી કરવામાં આવી છે એ સર્વોત્તમ શિક્ષક છે. પ્રોફેસર ખાન રાજસ્થાનથી સંબંધ ધરાવે છે. એમણે સંસ્કૃતમાં માસ્ટર્સ કર્યું છે. એમના પિતા પણ સંસ્કૃતના વિદ્ધાન હતા અને ઘરની બાજુમાં આવેલ મંદિરમાં ભજનો પણ ગાતા હતા.