જામનગર, તા. ૭
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામમાં રહેતા ધો.૯ના વિદ્યાર્થી તરૂણે વાર્ષિક પરીક્ષામાં નાપાસ થવાથી નાસીપાસ થઈ ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવતા તેનો પરિવાર હતપ્રભ બની ગયો છે. પોલીસે આ બનાવની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
જામનગર તાલુકાના વસઈ ગામમાં રહેતા હિતેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજા નામના ચૌદ વર્ષના તરૂણે શનિવારે બપોરે પોતાના ઘરે બીજા માળે જઈ લોખંડના પાઈપમાં ઈલેકટ્રીક વાયર વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેની થોડી મિનિટો પછી તેના પરિવારને જાણ થતા ભારે રોક્કળ મચી હતી.
આ બનાવની પોલીસને દિલીપસિંહ અજીતસિંહ જાડેજાએ જાણ કરી હતી. દોડી આવેલા સિક્કા પોલીસ સ્ટેશનના જમાદાર એસ.આર. જાડેજાએ મૃતદેહને નીચે ઉતારી હાથ ધરેલી તપાસમાં ખૂલ્યા મુજબ આ તરૂણ ધો.૯માં અભ્યાસ કરતો હતો જેનું તાજેતરમાં જ પરિણામ જાહેર થયું છે. આ વર્ષની પરીક્ષામાં હિતેન્દ્રસિંહ નાપાસ જાહેર થતા તેના આઘાતના કારણે આ બાળકે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ શરૂ કરી છે.