(એજન્સી) ઇસ્લામાબાદ, તા.૨૯
ભારત સાથે વધી રહેલા તનાવથી ખિજાઇ ગયેલી પાકિસ્તાની સેનાએ પોતાની તાકાતનું પ્રદર્શન કરવા માટે બેલેસ્ટિક મિસાઇલ ગઝનવીનું સફળ પરીક્ષણ કર્યું છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ મિસાઇલ પરીક્ષણથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધુ વધી શકે છે. પાકિસ્તાનના મેજર જનરલ આસીફ ગફુરે એક ટ્‌વીટમાં મિસાઈલ પરીક્ષણને સફળ ગણાવ્યું છે. પાકિસ્તાની સેનાના સત્તાવાર પ્રવક્તાના ટિ્‌વટર હેન્ડલ પર આપવામાં આવેલી માહિતી મુજબ રાત્રે ગઝનવી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ગઝનવી મિસાઇલ ૨૯૦ કિલોમીટર સુધી માર કરવા અને ૭૦૦ કિલો વિસ્ફોટક સામગ્રી લઇ જવાની ક્ષમતા ધરાવે છે. કાશ્મીર મુદ્દા અંગે એકલા પડી ગયેલા પાકિસ્તાન પાસે હવે અન્ય કોઇ વિકલ્પ નથી. હવે પાકિસ્તાની સેના અને ત્યાંની સરકાર પોતાની જનતાને બતાવવા માગે છે કે તેઓ ભારત સાથે ટક્કર લઇ શકે છે અને આ ગેરસમજમાં જ પાકિસ્તાને ગઝનવી મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. કાશ્મીરના પુલવામામાં ભયંકર ત્રાસવાદી હુમલા પછીથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સતત વણસી રહ્યા છે. પાકિસ્તાને ઘણી વાર ભારત સાથે યુદ્ધની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને પોતાના એક નિવેદનમાં ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા પછીથી જ પાકિસ્તાન ખરાબ રીતે ખિજાઇ ગયું છે. ગઝનવી મિસાઇલ પરીક્ષણ કર્યાના એક દિવસ પહેલા જ પાકિસ્તાનના પ્રધાન શેખ રશીદે જાહેર કર્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓક્ટોબર-નવેમ્બરમાં યુદ્ધ થશે. આ બધા નિવેદનો વચ્ચે પાકિસ્તાનનું મિસાઇલ પરીક્ષણ ખતરાની ઘંટડી પૂરવાર શકે છે. આ નિવેદનો વચ્ચે પાકિસ્તાનના મિસાઇલ પરીક્ષણને ભારતમાં યુદ્ધનો માહોલ બનાવવા તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.