અમદાવાદ,તા.ર૯
આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) સાથે ગઠબંધન કરી ભરૂચની બેઠક પર કોંગ્રેસ દ્વારા પોતાનો ઉમેદવાર નહીં ઉભો રાખવાની સોશિયલ મીડિયા પર ફરતી થયેલી વાતનું ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રણાએ રદિયો આપી કોંગ્રેસ ભરૂચ બેઠક પર ઉમેદવાર ઉભો રાખી તમામ ર૬ બેઠકો પરથી ચૂંટણી લડશે તેવી સ્પષ્ટતા કરી હતી. સોશિયલ મીડિયા પર અને કેટલાક અખબારોમાં પણ કોંગ્રેસ ભરૂચની બેઠક પર પોતાનો ઉમેદવાર ઉભો નહીં રાખે તેવી વહેતી થયેલી વાતોનું આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ખંડન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભારતીય ટ્રાઈબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હોવાની વાત તદ્દન ખોટી છે. કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉભો રાખશે અને ચૂંટણી લડશે. સોશિયલ મીડિયા અને અખબારોમાં આવેલી વાત નર્યું જુઠ્ઠાણુ છે. આવા નિર્ણયો રાષ્ટ્રીયકક્ષાએથી લેવાતા હોય છે. અગાઉ અંકલેશ્વર ખાતે લોકસભા ચૂંટણી સંદર્ભે અહમદભાઈ પટેલની આગેવાનીમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ બેઠક પર ઉમેદવારની પસંદગી બાબતે ચર્ચા પણ કરવામાં આવી હતી.