જામનગર તા.૧૪
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં સોમવારની રાત્રે એકાદ વાગ્યે એક તરૂણી ગભરાયેલી હાલતમાં આમથી તેમ જઈ રહી હોવાની અને તે તરૂણી પાછળ કેટલાક આવારા શખ્સો આંટાફેરા કરતા હોવાની કોઈએ ૧૮૧ અભયમ્‌ને ફોન મારફત જાણ કરતા ૧૮૧ની ટૂકડી દોડી ગઈ હતી.
આ સ્થળેથી પંદરેક વર્ષની એક તરૂણી અત્યંત બેચેનીભરી હાલતમાં મળી આવતા તે તરૂણીને અટકાવી ૧૮૧ની ટીમમાં રહેલા મહિલાકર્મીઓએ તેણીને સાંત્વના આપી પૂછપરછ કરતા કેટલીક વિગતો બહાર આવી હતી. મહિલાકર્મીઓના સહૃદયતાભર્યા વર્તનથી આ તરૂણીએ પોતાની વિતક વર્ણવી હતી.
તેણીના જણાવ્યા મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામ નજીકના એક ગામની વતની આ તરૂણીને તે જ ગામના એક શખ્સ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તરૂણ વયમાં સારા-નરસાની કે સાચા-ખોટાની પણ જેને પૂરી જાણકારી નથી તેવી આ તરૂણીને ઘરમાં પિતાના આક્રમક વલણથી દુઃખ થતું હતું તેવા જ સમયે કહેવાતા પ્રેમીએ તેણીની લાગણીઓ જીતી પોતાની સાથે નાસી જવા માટે કહેતા નાસમજીથી આ તરૂણી પ્રેમી સાથે તેના મોટરસાયકલ પર નીકળી ગઈ હતી જ્યાંથી બન્ને વ્યક્તિઓ જામનગર આવ્યા પછી પૈસા નથી તેમ તે યુવકે કહેતા આ તરૂણીએ પોતાની પાસે રહેલો ટચ સ્ક્રીનવાળો મોબાઈલ આપી દીધો હતો જેને કોઈ દુકાનમાં આ યુવકે વેચી રૂા.પ હજાર રોકડા કરી લીધા હતા.
તે પછી આ તરૂણીને ગોકુલનગરમાં એક સ્થળે લઈ જઈ હું હમણા આવું છું તેમ કહી તે યુવક ઓટલે બેસાડી રફૂચક્કર થઈ ગયો હતો જેની કલાકો સુધી રાહ જોઈ જોઈને થાકેલી તરૂણી બેસી રહી હતી તેમ છતાં આ યુવક પરત ફર્યો ન હતો અને મોડીરાત થઈ જવા પામી હતી. આ તરૂણી સાથે કોઈપણ દુર્વ્યવહાર ન થાય તે માટે સાવચેતીના પગલા ભરી ૧૮૧ની ટીમે તે તરૂણીને સાથે રાખી તેના ઘર તરફ પ્રયાણ કર્યું હતું જ્યાં તરૂણીની માતાને તેણીનો કબજો સોંપવામાં આવ્યો હતો અને પિતાને ઠપકો ન આપવા સહિતનું સંયમિત વલણ દાખવવા સૂચના આપવામાં આવી હતી.