(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા. ર
બેટી બચાવો…બેટી પઢાવો સ્ત્રી સશક્તિકરણ, દીકરી વ્હાલનો દરિયો.. જેવી વાતો માત્ર કાગળ ઉપર જ સુંદર લાગે છે. જ્યારે તેની વાસ્તવિકતા પણ વરવી જ છે ! ગ્રામ્ય વિસ્તારો તથા કેટલીક જ્ઞાતિઓમાં જાણે આજે પણ દીકરીને શાપનો ભારો ગણવામાં આવતી હોય તેમ પ્રતિત થાય છે. લીંબડી તાલુકાના ભૃગુપુરની મહિલાને પ્રસૂતિમાં ત્રીજી બાળકી અવતરતાં આ નવજાતને સિવિલમાં જ મૂકી પરિવારજનો સહિત માતા ચાલી ગઈ હતી. હવે, કહો ક્યાં દીકરી જન્મને વધાવવામાં આવ્યો હોવાનું કહેવાય ! અલબત્ત સિવિલના સ્ટાફ તથા પોલીસે માતાને સમજાવતાં કદાચ કચવાતા હૈયે તેણીએ બાળકીને સ્વીકારી છે ! આપણે તો કલ્પના જ કરવી રહીને કે આ પ્રસૂતાને તેના સાસરિયાની બીક હશે કે બીજું કોઈ કારણ ?
લીંમડી તાલુકાના ભૃગુપુર ગામની મહિલાને ડિલિવરી સમયે સારવાર માટે લીંબડી આર.આર. સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાની ડિલિવરીમાં એક બાળકીનો જન્મ થયો હતો. આ તાજી જન્મેલ બાળકીને હોસ્પિટલમાં મૂકી માતા સહિત પરિવાર રાત્રે ફરાર થઈ ગયો હતો અને માતાને હોસ્પિટલના સ્ટાફ દ્વારા સમજાવીને પાછી બોલાવવામાં આવી હતી, પરંતુ બાળકીને ના સ્વીકારવાની પાડી રહી છે. તેનું કારણ એ લાગી રહ્યું છે કે, બે બાળકી ઉપર ત્રીજી બાળકીનો જન્મ થતાં માતા મૂકી ચાલી ગઈ હતી. બાળકીના પિતા અને પરિવાર હજુ સુધી હોસ્પિટલમાં આવ્યા નથી. માતાને પોલીસે સમજાવ્યા બાદ હાલ બાળકીને માતાને સોંપવામાં આવી હતી.